Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઉલટી ગંગા...ખાનગી શાળાના ૧૮ર અને નવા ૧૦પ વિદ્યાર્થીઓએ શાળા નં.૩ર માં ઢોલના નાદે પ્રવેશ મેળવ્‍યો

કલેકટર દ્વારા પ્રવેશ કરાવાયોઃ દાતાઓનું સન્‍માન કરાયું: સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ

રાજકોટ તા. ર૩: જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ કુવાડવા રોડ વિસ્‍તારની આદિત્‍ય પ્રાથમિક શાળા નં. ૩ર માં કલેકટરશ્રી દ્વારા ધો. ૧ નાં ૬ર બાળકોને પ્રવેશ કરાવ્‍યો હતો જેમાં ર૯ કન્‍યાઓ તથા ૩ર કુમારોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમનો શુભારંભ આચાર્ય તથા ઉપસ્‍થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવ્‍યો હતો. આચાર્યશ્રી કમલેશભાઇ ઘોડાસરાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર અભ્‍યાસ જ નહીં પરંતુ વિદ્યા, સંસ્‍કાર તથા શ્રેષ્‍ઠ નાગરિક બનાવવો તે જ ધ્‍યેયને મૂર્તિમંત કરવામાં આવે છે. કોરોના કાળમાં ઘેર-ઘેર વેકસીનેશન ડ્રાઇવમાં આ વિસ્‍તારમાં રહેતા વાલીઓ તથા તેમના બાળકોની વિગતો લઇને શાળા નં. ૩ર તરફ વિશ્‍વાસ કેળવી હકારાત્‍મક અભિગમ કેળવ્‍યો હતો. જેના પરિણામરૂપે કોરોના કાળ પહેલા રપ૦ વિદ્યાર્થીઓ તથા ત્‍યારબાદ હાલ ૪૦૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. આ પ્રસંગે દાતાઓનું સન્‍માન, સાંસ્‍કૃતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ, વૃક્ષારોપણ, શાળાના ઉચ્‍ચ ક્રમાંકિત બાળકોનું સન્‍માન વગેરે કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી કમિશનર શ્રી સિંહા, દાતાશ્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડના પદાધિકારીઓ અને કોર્પોરેટરો, વાલીઓ તથા બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:47 pm IST)