Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જૂની કલેકટર કચેરી ખાતે વિચરતી-વિમુકત જાતિ માટે સ્પે. કેમ્પ ૧૫૦ લોકોએ લાભ લીધોઃ રેશનકાર્ડ-વેકસીન સહિતની કામગીરી

તાલુકા મામલતદાર કથીરીયા ઉપરાંત સીટી પ્રાંત-૨, ડીએસઓનું માર્ગદર્શનઃ આવતા અઠવાડિયે વધુ કેમ્પો થશે

જૂની કલેકટર કચેરી ખાતે વિચરતિ-વિમુકત જાતિ માટે આજે વિવિધ સેવા સંદર્ભે સ્પે. કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૫૦ લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. વિચરતી-વિમુકત જાતિના લોકોને પ્રશાસન તરફથી તમામ લાભો મળવા જોઈએ. તે બાબતે રાજકોટ જિલ્લા કલેકટરની સૂચના બાદ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડા અને પ્રાંત અધિકારી શ્રી રાજકોટ-૨ ચરણસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદારશ્રી કે.એમ. કથિરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેર-૨ પ્રાંત કચેરી ખાતે વિવિધ સરકારી લાભો મળી રહે તે હેતુસર જાહેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેમ્પની ખાસિયત રહી હતી કે તેમાં સરકારી યોજનાઓની સાથોસાથ સ્થળ પર જ રસીકરણ અને કોરોના જાગૃતિ અંગે માહિતી પણ આપવામાં આવી હતી.રેશનકાર્ડ, આધારકાર્ડ, એનએફએસએ હેઠળના લાભો, જાતિના દાખલા, આવકના દાખલા, સમાજ સુરક્ષા હેઠળની ગંગાસ્વરૂપ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય, આઈજીએનઓ એપીએસ, દિવ્યાંગ સહાય, પીએમજેએવાય કાર્ડ વિગેરે હેઠળના લાભો એક જ જગ્યાએ આવરી લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં લાભાર્થીઓને સદર કેમ્પના પ્રચાર પ્રસારમાં વીએસએસએમ એનજીઓના કનુભાઈ બજાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૧૫૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલે ઉમેર્યુ હતુ કે આવા કેમ્પો આવતા અઠવાડીયે પણ યોજાશે.

(3:07 pm IST)