Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

બહેન અંબાલિકાદેવી દ્વારા થયેલ મનાઇ હુકમની અરજી રદ્દ કરવા કોર્ટમાં વાંધા અરજી

રાજવી પરિવારની ૧૫૦૦ કરોડની મિલ્કતના કાનુની વિવાદમાં ઠાકોર માંધાતાસિંહે જવાબ રજૂ કર્યો : માત્ર પૈસા પડાવવાના ઇરાદે ખોટો કેસ કર્યો છે : સ્વ. મનોહરસિંહનું 'વીલ' શંકાસ્પદ હોવાનું કથન અર્થતાહિન છે : સબ રજી. કચેરીમાં ઓન રેકર્ડ કબુલાત બાદ રાજકુમારી ફરી ગયા હોવાનો કોર્ટમાં જવાબ રજૂ કર્યો : રાજવી પરિવારના કાનુની વિવાદમાં નવો વળાંક

રાજકોટ તા. ૨૩ : રાજકોટના રાજવી પરિવારની મિલ્કત બાબતે ચાલતા કૌટુંબીક વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. પોતાને મિલ્કતનો પાંચમો હિસ્સો મળવાપાત્ર છે એવો રાજકુમારી અંબાલિકાદેવીનો દાવો માત્ર પૈસા પડાવવાના ઇરાદાથી કરવામાં આવેલો છે અને મિલ્કત વડીલોપાર્જિત છે તેવું તેમણે પૂરવાર કરી બતાવવું પડશે એવો જવાબ તેના ભાઇ રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

રાજકુમારીએ સિવિલ કોર્ટમાં કરેલો દાવો શુધ્ધબુધ્ધિ વિનાનો અને ખોટી વિગતો આધારિત છે એવી દલીલ સાથે રાજવીએ ઉમેર્યું છે કે, વચગાળાના મનાઇહુકમ માટેની અરજી રદ્દ થવા પાત્ર છે, ખરેખર તો જો આવો સ્ટે મળે તો એનાથી પોતાને (રાજવીને) જ નુકસાન થાય તેમ છે.

આ કેસમાં રાજકુમારી અંબાલિકાદેવીએ પોતાના માતુશ્રીને અને બે બહેનોને પણ જોડયા છે ત્યારે તેમના વતી ખુલાસા રજૂ કરવા સમયે માગવામાં આવતા મુદ્દત પડી છે અને હવેની સુનવણી તા. ૧૧ ઓકટોબરે થવાની છે, જ્યારે પ્રથમ પ્રતિવાદી એવા માંધાતાસિંહે સોગંદનામુ કર્યું છે કે, આ કેસ માત્ર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને પૈસા પડાવવાના ઇરાદે (તેમના બહેન દ્વારા) કરવામાં આવ્યો છે.

પોતાના વકીલ મારફત રજૂ કરેલા ૨૭ પાનાના જવાબમાં તેમણે ડીલે લેચીઝના કારણે દાવો રદ્દ થવા પાત્ર હોવાના મત સાથે ઉમેર્યું છે ક,ે રજવાડા નાબુદી વખતે છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહ જાડેજા (બંને ભાઇ - બહેનના દાદા)ને ભારત સરકાર સાથે થયેાલ કોવેનન્ટ મુજબ મિલ્કતો તેમની સ્વપાર્જિત હતી, જે તેમણે ૧૩-૦-૧૯૭૩ના વિલથી પોતાના પુત્ર મનોહરસિંહને આપી અને અંબાલિકાદેવીએ સબરજિસ્ટ્રાર કચેરીમાં કબુલ કરેલું કે તેમણે (મનોહરસિંહ જાડેજા ને) મિલ્કતનું વિલ કરવાનો અધિકાર છે. આમ છતાં લાંબા સમય બાદ તે ફરી ગયા એ મતલબનો આક્ષેપ પણ આ જવાબમાં કરાયો છે. આટલું જ નહીં, બહેન અંબાલિકાદેવી પાસેથી આ કેસનો સ્પેશ્યલ ખર્ચ ભાઇ માંધાતાસિંહને અપાવીને સ્ટેની અરજી રદ્દ કરવામાં આવે તેવી દાદ પણ માગવામાં આવી છે.

આ કેસમાં અંબાલિકા દેવી વતી એડવોકેટ કેતન સિંધવા રોકાયા છે.

બહેન અંબાલિકા દેવી વિરૂધ્ધ ભાઇ માંધાતાસિંહના પ્રતિ આક્ષેપ

.   કોર્ટને જે હકીકતો જણાવી જોઇતી હતી તે ન જણાવી, મટિરિયલ ફેકટ સપ્રેસ કરાયા.

.   મિલ્કતોનું સંચાલન પિતા વતી પુત્ર માંધાતાસિંહ કરતા હતા એ કથન ખોટું, મનોહરસિંહ લર્નેડ હતા અને પોતે જ સંચાલન કરતા.

.   મનોહરસિંહની વસિયત અંબાલિકાદેવીએ વાંચી જ હતી, તે પછી રિલીઝ ડીડ રજીસ્ટર્ડ થયું તેમાં તેના ઉપરાંત તેમના પતિ અને પુત્રોની સહીઓ પણ છે.

.   વસિયતમાંના બે સાક્ષી ડો. ગૌતમ દવે અને કિરીટ વસા એ બંને પ્રતિષ્ઠિત વ્યકિત છે, તેમના સોગંદનામામાં રજૂ કરવાની પણ તૈયારી બતાવીએ છીએ.

.   મંદિરના નામે રીલીઝ ડીડ કરાવી લેવાયું તે કથન જૂઠ્ઠું, આફટર થોટ અને બદઇરાદાવાળું

.   પાવર ઓફ એટર્ની સમયે વડિલોપાર્જીત મિલ્કતમાં પાંચમાં ભાગના હિસ્સાનું વચન આપ્યાની વાત નિર્થક.

.   માંધાતાસિંહની તિલકવિધિ વખતે અંબાલિકાદેવીના પુત્ર સાથે ગેરવર્તન થયાની વાત પૂર્વગ્રહ ઉત્પન્ન કરવા માટેની, કોર્ટને ગેરમાર્ગે દોરનારી અને મિલ્કતને તકરારી બનાવવા માટેની.

.        વર્ષ ૨૦૨૧ના એપ્રિલ મહિનાથી લિગલ બ્રેઇન અસ્તિત્વમાં આવ્યાનું જણાય છે, ૧૭ એપ્રિલ પછી બહેનની વર્તણુંકમાં ફેરબદલ આવ્યો !

(11:43 am IST)