Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટના વકીલો દ્વારા શનિવારે વાંકાનેર નજીકના જડેશ્વર મહાદેવ ખાતે પ્રવાસ : સ્નેહમિલનનું આયોજન

પ૦૦ થી વધુ વકીલો પ્રવાસમાં જોડાશે : સ્નેહભોજન સહિત વિવિધ કાર્યક્રમો

રાજકોટ, તા. ર૩ :  રાજકોટનાં ફોજદારી પ્રેકિટસ કરતા વકીલ દ્વારા આગામી તા. રપ-૯-ર૦ર૧ ને શનિવારના રોજ ''નાના જડેશ્વર મહાદેવ મંદિર'' ટંકારા-વાંકાનેર રોડ મુકામે એક દિવસના પ્રવાસ સાથે વકીલ સ્નેહ-ભોજન તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રવાસ તથા સ્નેહ-ભોજન રાજકોટમાં પ્રેકિટસ કરતા તમામ વકીલશ્રીઓ માટે પ્રવાસ રાખેલ છે. આ પ્રવાસ તથા સ્નેહ-ભોજનનાં કાર્યક્રમમાં આવનાર તમામ વકીલશ્રીઓ માટે રાજકોટ મોચી બજાર કોર્ટ પરિસરમાં સવારે ૭-૩૦ કલાકે ચા-ગાંઠીયાનો નાસ્તો કરી પ્રવાસન સ્થળ ''નાના જડેશ્વર મહાદેવ મંદિર'' ટંકારા-વાંકાનેર રોડ મુકામે જઇ સવારે ૧૦-૦૦ કલાકે જડેશ્વર મહાદેવની પુજા વિધિ કરીને ધ્વજા ચઢાવવામાં આવશે, બપોરે ૧ર-૦૦ કલાકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો વાંકાનેર સ્ટેટ યુવરાજ શ્રી કેસરીસિંહ તથા રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયાનું સ્વાગત તેમજ કેરમ-ચેસ-ટુર્નામેન્ટના વિજેતા અને રનર્સઅપ વકીલોનું સન્માનનો કાર્યક્રમ કરી સ્નેહ-ભોજન કરવામાં આવશે ત્યારબાદ સ્વિમિંગ પુલમાં વકિલો સ્વિમિંગની મજા માણીને સાંજે ૪-૩૦ કલાકે રાજકોટના સિનિયર વકીલ રજનીબા રાણાના વાંકાનેર મુકામેનાં નિવાસ સ્થાન ''તખ્તવિલા'' દિગ્વિજય નગર (પેડક), વાંકાનેર મુકામે ગરમા-ગરમ ભજીયા, ચા-કોફીનો નાસ્તો કરી, આ કાર્યક્રમનું સમાપન કરી સૌ વકીલશ્રીઓ રાજકોટ મુકામે પરત આવશે.

આ જડેશ્વર પ્રવાસ તથા વકીલ સ્નેહ-ભોજનનાં કાર્યક્રમને સિનિયર-જુનીયર વકીલશ્રીઓનો ખુબ સારો સાથ સહકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે, જેથી હાલ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પ૦૦/- (પાંચસો) વકીલશ્રીઓનું રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે. તમામ માટે ભોજનની વ્યવસ્થા અનિલભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ માટે આયોજન કમિટીના મેમ્બરશ્રી તુષારભાઇ બસલાણી, ભરતભાઇ હિરાણી, ધીમંતભાઇ જોશી, રાજેન્દ્રસિંહ ગોહિલ, રાજુકુમાર હેરમા, એલ.જે. રાઠોડ, દિવ્યેશ આર. મહેતા, અશ્વિન ગોસાઇ, ડી.બી. બગડા, હિતેન્દ્રસિંહ જાડેજા, કમલેશ રાવલ, અશ્વિન મહાલિયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. 

(2:53 pm IST)