Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શનિવારે વર્લ્ડ ફાર્માસીસ્ટસ ડે : રેસકોર્ષ મેદાનમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

કોરોના વોરીયર ફાર્માસીસ્ટોનું બહુમાન : વિનામુલ્યે બોડી માસ ઇન્ડેકસ : તુલસીના રોપ અને ચકલીના માળા-કુંડાનું વિતરણ :ડાયાબીટીસ-બી.પી. અને કોરોનાની તપાસ વિનામુલ્યે : હીમોગ્લોબીન ટેસ્ ટ કરી અપાશે : બાલભવન મેદાનમાં માહિતી આપતા અનેક સ્ટોલ ઉભા કરાશે : વિવિધ સંસ્થાઓનો સહયોગ

રાજકોટ તા. ૨૩ : સાચા સમયે સાચી દવા તમારા સુધી કોઇ પહોંચાડી જતુ હોય તો એ છે ફાર્માસીસ્ટ! ૨૫ સપ્ટેમ્બરે વિશ્વભરમાં 'વર્લ્ડ ફાર્માસીસ્ટસ ડે' ઉજવવામાં આવે છે.

ત્યારે આ વર્ષે રાજકોટ ફાર્માસીસ્ટસ એસોસીએશન દ્વારા તા. ૨૫ ના શનિવારે સવારે ૬ થી ૧૦ સુધી જરા હટકે કહી શકાય તેવું આરોગ્ય જનજાગૃતિ મેળાવડા જેવુ સરસ આયોજન કરાયુ છે.

ફાર્માસીસ્ટસ એસોસીએશનના પ્રમુખ  સત્યેનભાઇ પટેલે એક યાદીમાં જણાવ્યા મુજબ શહેરના ફાર્માસીસ્ટ સંગઠનો અને વિવિધ સંસ્થાઓને સાથે લઇ ફાર્માસીસ્ટસ ડે ઉજવવા આયોજન ઘડી કઢાયુ છે.

તા. ૨૫ ના શનિવારે રેસકોર્ષ બાલભવન મેદાન ખાતે સવારે ૬ થી ૧૦ સુધી આયોજીત આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટોલ ઉભા કરી લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવશે.

હાલમાં જ લોકોએ કોરોનાનો સામનો કર્યો છે. ત્યારે આ કપરા દિવસોમાં પણ ફાર્માસીસ્ટોએ દર્દીઓને જીવન જરૂરીયાતનો દવાઓ પહોંચાડવાની જવાબદારી બખુબી પુર્વક નિભાવી હતી. એટલુ જ નહીં આ સેવા આપતા આપતા ઘણા ફાર્માસીસ્ટોએ જીવનું બલીદાન પણ આપ્યુ છે. ત્યારે આવા કોરોના વોરીયર ફાર્માસીસ્ટોના પરિવારના સભ્યને આ કાર્યક્રમ દરમિયાન સર્ટીફીકેટ, મોમેન્ટો અને સહકાર રાશી આપી સન્માનીત કરવામાં આવશે.

સાથો સાથ વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે આરોગ્ય ચકાસણી અને સેવાકીય કાર્યો સહીતના આયોજનો કરાયા છે.

જેમાં રાજકોટ ફાર્માસીસ્ટ એસોસીએશન દ્વારા ફ્રી બોડી માસ ઇન્ડેકસ (BMI) ની તપાસ કરી અપાશે.

કુમ કુમ ગ્રુપ દ્વારા તુલસીના રોપા, ચકલીના ઘર તેમજ પાણીના કુંડાનું નિઃશુલક વિતરણ કરાશે. સાથે વ્યસન મુકિત માર્ગદર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.

ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસીસ્ટ દ્વારા વિનામુલ્યે ડાયાબીટીસ (RBS) અને  BP ની તપાસ તેમજ કોરોના એન્ટીજન અને RTPCR ટેસ્ટ કરી અપાશે. કોરોના વેકસીનના લાભો તથા કામદાર વીમાના લાભો અંગે જાણકારી અપાશે.

એચ.એન.શુકલા કોલેજના ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા વિનામુલ્યે હિમોગ્લોબીન તપાસ અને તેને લગતી દવાઓ પણ વિનામુલ્યે વિતરણ કરાશે. ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઇફોઇડ, કોંગો ફિવર અને કેન્સર જેવા ગંભીર રોગો અંગે માહીતગાર કરાશે.

બી. કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. વિષે જાગૃત કરાશે.

મારવાડી યુનિ.ના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જેનેરીક દવાઓના લાભ વિષે તથા અન્ય દવાઓની આડઅસર વિષે માહીતી રજુ કરાશે. બ્લડ સુગર લેવલ માપી અપાશે.

સ્કુલ ઓફ ફાર્મસી, આર. કે. યુનિ. દ્વારા દવાઓની આડઅસર અને દવાઓ લેવામાં થતી ભુલ વિષે લોકોને સાચી જાણકારી અપાશે. તથા નિઃશુલ્ક બ્લડ પ્રેશર માપી બોડી માસ ઇન્ડેકસ તપાસ તેમજ રૂધીરમાં ઓકસીજન લેવલ ચેક કરી અપાશે.

આત્મીય યુનિ. ના ફાર્મસી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા જાતે દવા લેવાના ગંભીર પરિણામોથી સૌને સચેત કરાશે.

આર.ડી. ગાર્ડી ફાર્મસી કોલેજ દ્વારા હ્ય્દય રોગ અને તેના સંબધી માહીતી અપાશે.

સૌ.યુનિ. ફાર્મસી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં જીવ કેવી રીતે બચાવવો તે અંગે માર્ગદર્શન અપાશે. રેસકોર્ષ રીંગરોડ પર બાલભવન મેદાન ખાતે ૭ ફાર્મસી કોલેજ અને ર એસોસીએશન દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે. આમ શનિવારે રેસકોર્ષ મેદાનમાં આરોગ્ય જાગૃતિ મેળાવડો જામશે.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ફાર્મસી પ્રોફેશન સાથે સંકળાયેલા તમામ ફાર્માસીસ્ટો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું અને વધુને વધુ લોકોએ આરોગ્ય જાગૃતિ મેળાનો લાભ લેવા રાજકોટ ફાર્માસીસ્ટસ એસોસીએશનના પ્રમુખ સત્યેનભાઇ પટેલ (મો.૯૮૨૫૪ ૯૫૩૯૩) એ અનુરોધ કરેલ છે. 

(2:54 pm IST)