Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પ્રાંત અધિકારી સમક્ષ ચાલતી અપીલોનો ઝડપી નિકાલ જરૂરી : એડવોકેટ પનારા

રાજયના મહેસુલ મંત્રીને શુભેચ્છા સહ વિસ્તૃત પત્રથી કરાયા સુચનો

રાજકોટ તા. ૨૩ : રાજયના મહેસુલ મંત્રી તરીકે નિમણુંક થયેલ રાજેન્દ્ર ત્રિવેદીને શુભેચ્છા પાઠવવા સાથે રાજકોટના એડવોકેટ પી. એચ. પનારાએ એક વિસ્તૃત પત્રના માધ્યમથી કેટલાક જરૂરી સુચનો પણ કર્યા છે.

ખાસ કરીને પ્રાંત અધિકારી સમક્ષ ચાલતી અપીલોના ઝડપી નિકાલ થવો જરૂરી હોવાનું તેઓએ જણાવ્યુ છે.

વિસ્તૃત પત્રમાં તેઓે જણાવ્યુ છે કે પ્રાંત અધિકાર સમક્ષ ચાલતી અપીલોમાં મુખ્યત્વે સીટી સર્વે કચેરી તરફથી થયેલ હુકમો તથા મામલતદાર તરફથી થયેલ હુકમો સામેની અપીલો હોય છે. સીટી સર્વે કચેરી તરફથી થયેલ હુકમોમાં મુખ્યત્વે રેકર્ડમાં ભુલ હોવાથી નામની ભુલ હોવાથી પ્રમોલગેશન વખતે પુરાવા ન આપવાના કારણે સરકારી જમીન થવા અંગેની અપીલો મોટે ભાગે હોય છે. જેમાં સીટી સર્વે કચેરી તરફથી સુધારવાની સતા ન હોવાના કારણે સદરહુ અપીલો મોટે ભાગે કેશ રીમાન્ડ થાય છે.

પ્રાંત અધિકારી સમક્ષ અપીલ થયા બાદ ખુબ લાંબા સમય પછી અપીલો સાંભળવામાં આવે છે. તેનો સમય ઘટાડી ફરજીયાત એક માસનો કરવો જોઇએ.

સીટી સર્વે કચેરી તથા અરજદારો તરફથી કેશ રીમાન્ડ કરવાની રજુઆત થવા છતા કેશ રીમાન્ડ થતા લાંબો સમય પ્રાંત અધિકારી તરફથી હુકમો થતા નથી. જેથી પ્રથમ મુદતે જ સીટી સર્વે કચેરી તરફથી તથા અરજદારો તરફથી કેશ રીમાન્ડ કરવાની રજુઆત થતી હોય તેવા કેશો પ્રથમ મુદતે રીમાન્ડ કરી આપે તેવી પ્રાંત અધિકારીઓને સુચના આપવી જોઇએ. તેમ પત્રના અંતમાં સુચન કરતા એડવોકેટ પી. એચ. પનારા (મો.૯૪૨૬૨ ૬૯૮૨૫) એ જણાવેલ છે. 

(3:00 pm IST)