Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આહિર યુવાને સોપારી કાપવાના સુડાથી ગળુ કાપી જીવ દીધો

મવડી રામધણ પાસે નંદનવન સોસાયટીમાં બનાવ : ૨૬ વર્ષના પાનના ધંધાર્થીના પગલાથી બોરખતરીયા-આહિર પરિવારમાં કલ્પાંત : સવારે ભાભી જગાડવા ગયા ત્યારે રૂમ અંદરથી બંધ હતોઃ દરવાજો તોડીને જોતાં લોહીલુહાણ મૃતદેહ મળ્યોઃ કારણ શોધવા તાલુકા પોલીસે તપાસ આદરી : આપઘાત કરનાર અજય બોરખતરીયા (ઉ.વ.૨૬)ની ત્રણ વર્ષ પહેલા સગાઇ થઇ હતીઃ મુળ માણવાદરના મતીયાણાના વતની

જ્યાં ઘટના બની તે મવડી રામધણ પાસે નંદનવન સોસાયટી-૩માં આવેલું અજય બોરખતરીયાનું રહેણાંક, તેનો ગળુ કપાયેલો નિષ્પ્રાણ દેહ, પલંગ પર સોપારી કાપવાનો સૂડો તથા મૃતદેહ અને સૂડો જે રીતે પડ્યા હતાં તે દ્રશ્ય તથા અજયનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: મવડીમાં રામધણ આશ્રમ પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં અને સોસાયટીના ગેઇટ પાસે જ પાનની દૂકાન ચલાવતાં આહિર યુવાને પોતાનો રૂમ બંધ કરી રાત્રીના કે વહેલી સવારના કોઇપણ સમયે પોતાનું ગળુ સોપારી કાપવાના સુડાથી કાપી નાંખી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુવાને આવુ પગલુ શા માટે ભર્યુ? તે અંગે કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મવડીના રામધણ આશ્રમ પાસે આવેલી નંદનવન સોસાયટી-૩માં રહેતાં અજય ભોજાભાઇ બોરખતરીયા (ઉ.વ.૨૬) નામના યુવાને પોતાના ઘરમાં સોપારી કાપવાનો સૂડો ગળા પર મારી આપઘાત કરી લીધાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી. વી. ખાંભલા તથા પૃથ્વીરાજસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ રાત્રે અજય પોતાના રૂમમાં નિત્યક્રમ મુજબ સુઇ ગયો હતો. સવારે મોડે સુધી ન જાગતાં ભાભી જ્યોત્સનાબેન તપાસ કરવા જતાં અજયનો રૂમ અંદરથી બંધ હતો. તેણે ખુબ ખખડાવવા છતાં રૂમ નહિ ખોલાતાં તેણીએ પોતાના પતિ કમલેશભાઇને બોલાવ્યા હતાં. તેણે પણ દરવાજો ખખડાવી અજયના નામની બૂમો પાડી હતી. પરંતુ દરવાજો ખોલવામાં ન આવતાં કંઇક અજુગતુ બન્યાની શંકા ઉપજી હતી. દરવાજો તોડીને જોતાં જે દ્રશ્ય સામે આવ્યું હતું તે ધ્રુજાવી મુકે તેવું હતું.

અજયનો ગળુ કપાયેલો મૃતદેહ તેના પલંગ પર પડ્યો હતો. બાજુમાં સોપારી કાપવાનો મોટો સૂડો જોવા મળ્યો હતો. અજયએ કોઇપણ કારણોસર સૂડાથી પોતાનું પોતાનું ગળુ કાપી આત્મહત્યા કર્યાનું તારણ નીકળ્યું હતું. વધુ માહિતી મુજબ આપઘાત કરનાર અજય બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાનો હતો. આ પરિવાર મુળ માણાવદરના મતીયાણા ગામનો વતની છે. અજયના માતા-પિતા મતીયાણા રહે છે. પોતે રાજકોટ નંદનવનમાં ભાઇ અને ભાભી સાથે રહેતો હતો અને નંદનવન સોસાયટીના ગેઇટ પાસે જ શુભમ્ ડિલકસ નામે પાનની દૂકાન ચલાવતો હતો. અજયની સગાઇ ત્રણ વર્ષ પહેલા થઇ હતી.

પરિવારજનોના કહેવા મુજબ અજયને કોઇપણ જાતની તકલીફ નહોતી અને ઘરમાં પણ કોઇ ટેન્શન નહોતું. તેણે આ પગલુ શા માટે ભર્યુ તે અંગે ભાઇ-ભાભીએ હાલ પોતે અજાણ હોવાનું કહેતાં પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. 

(3:24 pm IST)