Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મ.ન.પા.ની સેવાઓની ફરિયાદોનો ૨૪ થી ૧૬૮ કલાકમાં નિકાલ થશે

ગુજરાતમાં સૌ પ્રથમ અદ્યતન ફીડબેક - રેટીંગ - ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિવારણ સેવાનો પ્રારંભ કરાવતા કમલેશ મીરાણી : ખાદ્ય પદાર્થોની ફરિયાદ ૨૪ કલાકમાં, કચરા નિકાલ - સફાઇની ફરિયાદ ૨૪ કલાકમાં, ભૂગર્ભ ગટર - સફાઇ - પાઇપ ગટર સફાઇ ૩૬ થી ૪૮ કલાકમાં, ઓછુ પાણી - ૨૪ કલાક, પાણી નહી મળવા માટે ૪૮ કલાક અને ગંદા પાણી માટે ૧૬૮ કલાકમાં ફરિયાદ નિકાલ નહી થાય તો ઓટોમેટીક સીટી ઇજનેર સુધી ફરિયાદ પહોંચી જશે તેમ છતાં નિકાલ ન થાય તો મ્યુ. કમિશનર સુધી આ ફરિયાદ પહોંચશે

મ.ન.પા.ની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબરનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા મેયર પ્રદિપ ડવ, સ્ટે. કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા મ્યુ. કમિશનર અમિત અરોરા, ડે. કમિશનર ચેતન નંદાણી તેમજ આઇ.ટી. વિભાગના ડાયરેકટર સંજય ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : ગુજરાતમાં સૌ પ્રથમ વખત રેટીંગ અને ઓ.ટી.પી. આધારિત અદ્યતન ફરિયાદ નિવારણ ટેકનોલોજીનો પ્રારંભ આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે કરાયો હતો. આ ટેકનોલોજી મુજબ મહાનગરપાલિકાની પાણી, સફાઇ, લાઇટ, ભુગર્ભગટર, આરોગ્ય વગેરે તમામ પ્રકારને લગતી ફરિયાદો નોંધાવ્યાના ૨૪ થી ૧૬૮ કલાકમાં નિકાલ કરવાનો રહેશે. જે તેનો આ સમય મર્યાદામાં નિકાલ નહી થાય તો આ ફરિયાદ ઓટોમેટિકલી સીટી ઇજનેરને પહોંચી જશે અને ત્યાં પણ નિકાલ ન થાય તો મ્યુ. કમિશનરને આવી ફરિયાદ પહોંચશે. આમ આ પ્રકારની ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિકાલ વ્યવસ્થાને કારણે ફરિયાદ નિકાલમાં ગોલમાલની શકયતા નહીં રહે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે આજે તા.૨૩ના રોજ સવારના ૧૧.૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની 'પીન' આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ આર. ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, તેમજ ડે.કમિશનર ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીઆ, ડાયરેકટર આઈ.ટી. સંજય ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ આર. ડવએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા  શહેરીજનોની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ છે. રાજકોટ મહાનગરપાલિકાને જુદી જુદી શાખાઓને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે અને ફરિયાદનો ખરેખર નિકાલ થયો છે કે કેમ તે અંગેની જાણ ફરિયાદીને મળી રહે તે માટે અદ્યતન પ્રકારની અને ફીડબેક રેટિંગ સહિતની સુવિધાવાળી  સેવા ગુજરાતભરની તમામ મહાનગરપાલિકાઓમાં સૌપ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૮માં ૨૪*૭ કોલ સેન્ટરના નં. ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગેની લોકોની ફરિયાદ નોંધણીની શરૂઆત કરવામાં આવી. સને ૨૦૧૦થી મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ સને ૨૦૧૬થી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન પરથી પણ ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી. હાલમાં બાંધકામ, વોટરવર્કસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રોશની, ડ્રેનેજ સહિતના ૩૦થી વધારે વિભાગોની અંદાજે ૧૦૦ કરતા વધુ પ્રકારની વાર્ષિક ૨ લાખ થી વધારે ફરિયાદો કોલ સેન્ટર પર નોંધી, સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝડપથી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ઘ છે. આ પ્રયાસના ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ નો શુભારંભ કરવામાં આવ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે. આ પદ્ઘતિમાં જયારે લોકોની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક SMS દ્વારા PIN નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની ફરિયાદનો નિકાલ થયા બાદ મહાનગરપાલિકાના કાર્મચારી/અધિકારીશ્રીને આપવાનો રહેશે જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદ નો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે. આ સમગ્ર પ્રક્રિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે.

(3:33 pm IST)