Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

યાજ્ઞિક રોડ, કિસાનપરા પાસે સામા કાંઠાના બે યુવાન પીધેલા અને એક કર્ફયુ ભંગમાં પકડાયો

અજીતસિંહ અને રોહિત યાજ્ઞિક રોડ પરથી તથા મીત કિસાનપરા ચોક પાસેથી ઝપટે ચડ્યોઃ મોડી રાત્રે એ-ડિવીઝન પોલીસે વાહન ચેકીંગ વખતે પકડ્યા

રાજકોટ તા. ૨૩: એ-ડિવીઝન પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બે શખ્સોને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશો કરેલી હાલતમાં પકડી લીધા હતાં. જ્યારે એકને કર્ફયુ ભંગમાં પકડ્યો હતો. આ ત્રણેય સામા કાંઠાના રહેવાસી છે. 

એક શખ્સ રાત્રીના સાડા બારેક વાગ્યે યાજ્ઞિક રોડ પર લથડીયા ખાતો બકવાસ કરતો મળી આવતાં તેને પોલીસે અટકાયતમાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ અજીતસિંહ શૈલેષભાઇ વાઢેર (ઉ.૨૦-રહે. રણછોડનગર-૧, કડવા ભનુ રોડ સાગર મકાન) જણાવ્યું હતું. તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે યાજ્ઞિક રોડ પરથી જ અન્ય એક શખ્સ રોહિત ભુપતભાઇ સિંધવ (ઉ.૨૨-રહે. મોરબી રોડ બ્રહ્માણી પાર્ક શેરી નં. ૨ સેટેલાઇટ ચોક પાસે) કર્ફયુ ભંગ કરતાં મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે આ સમયે જ કિસાનપરા ચોકમાં સફેદ કલરની જીજે૦૩જેએલ-૫૫૩૫ નંબરની કાર સર્પાકાર નીકળતાં વાહન ચેકીંગમાં રહેલા સ્ટાફે અટકાવતાં અંદરથી એક શખ્સ નશો કરેલો મળતાં તેની પુછતાછ કરતાં પોતાનું નામ મીત વિનોદભાઇ રામાણી (ઉ.૨૧-રહે. રણછોડનગર કડવા ભનુ રોડ, સવંત મકાન) જણાવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે યાજ્ઞિક રોડ વિસ્તારમાં મહેફીલમાં દરોડો પડ્યાના મેસેજ પણ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં. 

(3:54 pm IST)