Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોટક સ્કૂલમાં ૨૫ વર્ષથી સેવા આપતા ૧૨ શિક્ષકોને સુવર્ણમુદ્રા આપી શાલ ઓઢાડી સન્માનઃ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહીત કરાયા

રાજકોટઃ રાજકોટ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓમાં જેઓએ સળંગ ૨૫ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી હોય તેવા કુલ ૧૨ શિક્ષકોને સુવર્ણમુદ્રા આપીને શાલ ઓઢાડીને મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કેળવણી મંડળ સંચાલિત વિવિધ કોટક સ્કુલ્સના એસએસસી, એચએસસી માર્ચ ૨૦૨૦માં બોર્ડના પરિણામોમાં ૯૦ ઉપર પીઆર મેળવનાર તમામ ૬૩ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ દ્વારા રોકડ પુરસ્કાર તથા સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં કોટક કન્યા વિનય મંદિરની કુ.જીનાલી શાહે ૯૯.૯૯ પીઆર મેળવીને સમગ્ર ગુજરાત રાજયમાં બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેને રૂ.૨૫ હજારનો ચેક તથા સર્ટીફીકેટ અર્પણ કરેલ.

આ ઉપરાંત ૯૦થી ઉપર અને ૯૫થી નીચે પીઆર મેળવાતા વિદ્યાર્થીઓમાં કોટક કન્યા વિનય મંદિરના ૧૪ વિદ્યાર્થીઓ, પી.બી.કોટક ઈંગ્લીશ મીડીયમના ૧૭ વિદ્યાર્થીઓ અને કોટક સેકન્ડરી / હાયર સેકન્ડરીના ૨ વિદ્યાર્થીઓ મળીને કુલ-૩૩ વિદ્યાર્થીઓને રૂ.૧ હજાર રોકડ પુરસ્કાર તથા ૯૫થી ઉપર અને ૯૯.૯૯થી નીચે પીઆર મેળવતા વિદ્યાર્થીઓમાં કોટક કન્યા વિનય મંદિરના ૧૮ વિદ્યાર્થીઓ, પી.બી. કોટક ઈંગ્લીશ મીડિયમના ૧૦ વિદ્યાર્થીઓ અને કોટક સેકન્ડરી / હાયર સેકન્ડરીના ૧ વિદ્યાર્થી મળીને કુલ ૨૯ વિદ્યાર્થીઓને અઢી હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. આમ કુલ રૂ.૧,૩૦,૫૦૦ના રોકડ પુરસ્કારો રાજકોટ કેળવણી મંડળ દ્વારા આપવામાં આવેલ.

આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી વાઈસ ચાન્સેલર તથા ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ગુજરાત રાજયના નોડેલ ઓફિસર અને બ્રાન્ડ એમ્બેસેડર  ડો.અર્જુનસિંહ રાણા તથા રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠકકર, મંત્રી હરેશભાઈ વોરા, તમામ ટ્રસ્ટીઓ ડો.બીનાબેન પટેલ, વીણાબેન પાંધી, દુષ્યંતભાઈ ઠકકર તથા તમામ વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની સફળતા માટે રાજકોટ કેળવણી મંડળના મોભી અને પ્રમુખ સુરેશભાઈ કોટકના નેતૃત્વ તથા ઉપપ્રમુખ નવીનભાઈ ઠકકરના માર્ગદર્શન હેઠડ ટ્રસ્ટના કો ઓર્ડીનેટર અને સીનીયર મોસ્ટ, અનુભવી  પ્રિન્સીપાલ ડો.માલાબેન કુંડલિયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કરવામાં આવેલ તેમ યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)