Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આઝાદી કા અમૃત મહોત્સવ

સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે સ્વાતંત્ર્ય સંગ્રામને વર્ણવતા એક હજારથી વધુ રસપ્રદ પુસ્તકોના પ્રદર્શનને ખુલ્લુ મુકતા કલેકટર અરૂણ મહેશબાબુ

આઝાદી સંગ્રામની વિવિધ ઘટનાઓ અને આઝાદી સંગ્રામના લડવૈયાઓ, વીરોના જીવન કવન અને તેમના કાર્યપ્રદાનને વર્ણવતા વધુ પુસ્તકોનો ખજાનો : પ્રદર્શન આવતીકાલ તા. ૨૪ સપ્ટેમ્બર સુધી સવારે ૧૦ કલાકથી સાંજના ૬ કલાક સુધી જાહેર જનતાને નિહાળવા માટે ખુલ્લુ રહેશે

રાજકોટ તા.૨૩ સપ્ટેમ્બરઃ દેશના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી  છે. જેના ભાગ રૂપે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગુજરાત સરકાર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે આજરોજ કલેકટર   અરૂણ મહેશ બાબુના હસ્તે આઝાદી સંગ્રામને લગતા રસપ્રદ પુસ્તકોને પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેમાં આઝાદી સંગ્રામની વિવિધ ઘટનાઓ અને આઝાદી સંગ્રામના લડવૈયાઓ  જેવા કે  ઝવેરચંદ મેઘાણી, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, સુખદેવ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, બાળ ગંગાધર તિલક, મંગલ પાંડે સહિતના સ્વાતંત્ર્ય વીરોના જીવન કવન અને તેમના કાર્યપ્રદાનને વર્ણવતા એક હજારથી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે.

વિશેષમાં હાલમાં રાષ્ટ્રીય શાયર   ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મીએ જન્મજયંતીની  ઉજવણી અન્વયે   ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકો જેવા કે સૌરાષ્ટ્રની રસધાર, કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણી ના પત્રો, લોકસાહિત્ય ,સૌરાષ્ટ્રની કથાઓ લોક ગીતો, લગ્ન ગીતો, સોરઠી સંતવાણી, કુરબાનીની કથાઓ વગેરે વિષયોના સાહિત્યનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. પ્રદર્શનનુ ખુલ્લુ મુકયા બાદ કલેકટર  અરૂણ મહેશ બાબુએ દેશના ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ હોવાનો ઉલ્લેખ કરતા વધુમાં ઉમેર્યુ હતું કે યુવાવર્ગમાં સર્જનાત્મક કૌશલ્યોને બહાર લાવવા સકારાત્મક અને પ્રેરણાદાયી પુસ્તકોનું નિયમીત વાંચન ખુબજ ઉપયોગી બને છે.

આ કાર્યક્રમમાં લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી  પ્રવિણભાઇ રૂપાણી,  રેખાબા જાડેજા, ગ્રંથાલય વિભાગ ગાંધીનગરના અધિકારી    જે.એમ. લેઉઆ, સરકારી ગ્રંથાલય રાજકોટના ગ્રંથપાલ  એસ.એસ.શહેરા, મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટ   એલ.આર. માંઢ,   આર.ડી. પરમાર મદદનીશ ગ્રંથપાલ,  રમાબેન રાણા, સુમરા અનિષા સહીત કર્મચારીઓ અને વાંચકો ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો ના હસ્તે પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.

 સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતેનું આ પુસ્તકોનું પ્રદર્શન આજરોજ તથા આવતીકાલ તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકથી સાંજના ૬ કલાક સુધી જાહેર જનતાને નિહાળવા માટે ખુલ્લુ રહેશે. આ પ્રદર્શનનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:56 pm IST)