Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે કોંગ્રેસના ૬૩ દાવેદારોને સાંભળતા આગેવાનો

રાજકોટ તા. ૨૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની ક્‍વાયત તેજ થઇ છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતપોતાની રીતે જોર લગાવી રહ્યાં છે. ત્‍યારે રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે આજે સેન્‍સ પ્રક્રિયા યોજાઇ છે. જે માટે નાગર બોર્ડિંગ ખાતે પ્રદેશ નેતાઓ ઉપસ્‍થિત રહી જિલ્લા અને તાલુકાના આગેવાનો સાથે તેઓ બેઠક કરેલ.
રાજકોટ શહેરની ત્રણ બેઠક સિવાય રાજકોટ ગ્રામ્‍ય અને જસદણ, ગોંડલ, ધોરાજી તથા જેતપુર બેઠક માટે ૬૩ આગેવાનોએ ફોર્મ ભરીને ટિકિટની દાવેદારી કરી છે. આ તમામ દાવેદારોને આગેવાનોએ સાંભળ્‍યા હતા. અને તેમની દાવેદારી ક્‍યા દ્રષ્ટિકોણથી યોગ્‍ય છે, કેવી રીતે તે બેઠક જીતી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરેલ.
મહત્‍વનું છે કે, દાવેદારોને ટોળાં સ્‍વરૂપે નહીં પરંતુ તેમને એકલા આવીને જ પોતાની વાત રજૂ કરવા અગાઉ તાકીદ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્‍યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દીધી છે. ત્‍યારે હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારો પાસેથી નામ મંગાવ્‍યા બાદ કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. ત્‍યારે આજે શુક્રવારે રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે દાવેદારોને પાર્ટી નિયુક્‍ત આગેવાનો દ્વારા સાંભળવામાં આવ્‍યા હતા.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, ‘રાજ્‍યની ૧૮૨ બેઠક માટે રાજયભરમાંથી ૯૦૦થી વધુ નેતા આગેવાનોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ હાઇકમાન્‍ડે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે આજે તા. ૨૩ના રોજ સવારના ૧૦થી ૧૨ દરમિયાન નાગર બોર્ડિંગ ખાતે દાવેદારોને સાંભળવા માટે વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:28 am IST)