Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

શાપર-વેરાવળના કારખાનામાં ઇલેકટ્રીક મોટર સહિત ૧.૮૦ લાખના સામાનની ચોરી

લોકડાઉનના કારણે કારખાનું ત્રણ વર્ષથી બંધ હતું :દેખરેખ માટે સીક્‍યુરીટી ગાર્ડ પણ રાખવામાં આવ્‍યો હતો : તસ્‍કરોએ ઇલે. લાઇન પણ કાપી નાખી

રાજકોટ,તા. ૨૩ : શાપર-વેરાવળમાં શાંતીધામના પાટીયા પાસે આવેલા એમ્‍પાયર ફલોર મીલ નામના કારખાનાને નિશાન બનાવી તસ્‍કરો નાની મોટી ઇલેકટ્રીક મોટર તથા લોખંડના રોડ સહિત રૂા. ૧,૮૦,૬૦૦નો માલ સામાન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર રાજનગર શેરી નં. ૫માં રહેતા સનતભાઇ મુકંદરાયભાઇ સોલંકી (ઉવ.૫૪) એ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા મુજબ પોતે એમ્‍પાયર ફલોર મીલ્‍સ પ્રા.લી. કારખાનામાં ઘણા સમયથી મેનેજર તરીકે નોકરી કરે છે. કમારખાનામાં ઘઉં દળવાનું કામ કરવામાં આવે છે. માર્ચ ૨૦૨૦થી લોકડાઉન થયું ત્‍યારથી કારખાનું બંધ છે. આ કંપનીમાં મશીનરી અંદાજે પાંચ કરોડથી છે. તેમાં ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. આ કારખાનાની દેખરેખ માટે ૨૪ કલાક સીક્‍યુરીટી ગાર્ડનો કોન્‍ટ્રાકટ એક્‍સ પ્‍લસ સીકયુરીટી ફોર્સને સોંપવામાં આવ્‍યો છે. ગત તા. ૧૨/૮ ના રોજ આ ફલોરમીલની જગ્‍યા એક પાર્ટી ગોડાઉનના વેર હાઉસને ભાડે રાખવા માંગે છે. તેવું એસ્‍ટેટ બ્રોકર રમેશભાઇ લીંબોલાએ આ કંપનીના માલીક શ્રીચંદભાઇ ફેરૂમલભાઇ બાલચંદાણી ફોનથી જણાવેલ જેથી પોતાના શેઠ તા. ૧૨/૮ના રોજ ફલોર મીલમાં જઇ રમેશભાઇ લીંબોલા સાથે વાત કરી ભાડે રાખવા માંગતા તેને મિલ્‍કત દેખાડવાનું પોતાને કહેલ જેથી પોતે તા. ૧૨/૮ ના રોજ કારખાને ગયેલ અને બ્રોકર રમેશભાઇ પહોંચી ગયા હતા. ત્‍યારે ત્‍યાં ચોકીદાર તરીકે આશિષભાઇ હાજર હતા. બાદ બ્રોકર રમેશભાઇએ જે વ્‍યકિતને આ મિલ્‍કત જોવા આવેલ તે વ્‍યકિતને પોતે આ કારખાનાની જગ્‍યા બતાવવા માટે ગયા ત્‍યારે કારખાનામાં રાખેલી જુનવાણી નાની મોટી ઇલેકટ્રીકમોટરો તથા લોખંડના રોડ જોવામાં આવેલ નહીં અને કોઇએ આ કારખાનાનું વીજ કેનકશનના તાર પણ કાપી નાખેલ હતા. આ કારે સીસીટીવી કેમેરા પણ બંધ થયા હતા. આથી કોઇ અજાણ્‍યા શખ્‍સોએ કારખાનાની બાજુમાં કોમન પ્‍લોટમાંથી દીવાલ કુદી કારખાનામાં પ્રવેશ કરી કારખાનામાં પડેલી નાની-મોટી ૮૪ ઇલેકટ્રીક મોટર તથા ૪૨ નંગ લોખંડના રોડ મળી રૂા. ૧,૮૦,૬૦૦નો મુદ્દામાલ ચોરી ગયાની ખબર પડી હતી. બાદ પોતે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એસ.જે.રાણાએ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)