Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઉઝબેકિસ્‍તાનના કલાકારો કાલે હેમુ ગઢવી હોલ ગજાવશેઃમેધરાજ ઇવેન્‍ટ દ્વારા મ્‍યુઝીકલ શો

રાજકોટ,તા.૨૩: હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ ઇન્‍ટરનેશનલ મ્‍યુઝીકલ શોની ભવ્‍ય સફળતા બાદ ફરી એકવાર ભારત અને ઉઝબેકિસ્‍તાન વચ્‍ચે સંસ્‍કૃતિનું આદાન-પ્રદાન થાય તે માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કાર્યરત ‘‘હાવાસ-ગુરુહી'' નામની સંસ્‍થા સાથે જોડાયેલા કલાકારો અને સીંગરો રાજકોટવાસીઓની લોકચાહના મેળવી, ફરી એકવાર રાજકોટમાં ધુમ મચાવવા આવી રહ્યા છે.

‘‘મેઘરાજ ઇવેન્‍ટ'' દ્વારા ઇન્‍ટરનેશનલ મ્‍યુઝીકલ શો નું'' ‘‘યે દોસ્‍તી હમ નહી તોડેંગે''ના શિર્ષક હેઠળ કાલે તા.૨૪ શનિવારે રાત્રીના ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવેલુ છે. રાજકોટના આંગણે ફરી એકવાર યોજાનારા આ અદ્‌ભુત કાર્યક્રમમાં તાશ્‍કંદ (ઉઝબેકિસ્‍તાન) ના કલાકારો પરફોર્મ કરશે.

‘‘મેઘરાજ ઇવેન્‍ટ''ના મીરા મહેતાના જણાવ્‍યા અનુસાર આ કલાકારો હિન્‍દી અને ગુજરાતી ફિલ્‍મોના ગીતો ગાઇને દર્શકોનું દિલ જીતી લેશે. આ મ્‍યુઝીકલ ગ્રુપનો મુખ્‍ય હેતુ ભારત અને ઉઝબેકિસ્‍તાન વચ્‍ચેના વર્ષો જુના સંબંધોની કડી વધુ મજબુત બનાવવા એટલે કે  ‘‘યે દોસ્‍તી હમ નહી તોડેંગ''નુ શિર્ષક સાર્થક કરવા અને સંસ્‍કૃતિનુ આદાન-પ્રદાન થાય તે છે.

આ લાઇવ કોન્‍સર્ટને સફળ બનાવવા માટે ‘‘મેઘરાજ ઇવેન્‍ટ'' ના મીરા મહેતા તેમજ વિરલ મહેતા, હિમાંશુભાઇ ઠક્કર-ચીફ બ્‍યુરો રાજકોટ સીટી (કમલમ), અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના પ્રમોટર શ્રી મેહુલભાઇ રવાણી, સંગીતપ્રેમી શ્રી રસીકભાઇ વડગામા અને રણજીતભાઇ પઢીયાર જહેમત ઉઠાવી રહ્યા છે. આ લાઇવ કોન્‍સર્ટમાં આવવા ઇચ્‍છતા લોકોએ મો. ૯૪૦૯૪૨૮૯૦૦ અથવા મો. ૯૪૨૮૪૬૪૪૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:34 pm IST)