Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુરભી રાસોત્‍સવઃ સ્‍વચ્‍છતા-શિસ્‍તનું પાલન ખાસ કરાશે

રાજકોટઃ નવરાત્રી પર્વમાં  સુરભી રાસોત્‍સવ ખુબજ વિખ્‍યાત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેસકોર્ષના મેદાનમાં રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અકિલા કાર્યાલયે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આયોજક ટીમના વિજયભાઇ વાળા અને સભ્‍યોએ રાસોત્‍સવ અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવેલ કે સુરભી રાસોત્‍સવમાં સ્‍વચ્‍છતા સાથે મેદાનમાં ખેલૈયાઓએ શિસ્‍તનુ ખાસ પાલન કરવાનું રહેશે. મેદાનમાં પાન, ફાકી, જેવા વ્‍યસનનુ સેવન કરી આવનારા લોકોના  સિઝન પાસ કેન્‍સલ કરી નાખવામાં આવશે.

ગ્રાઉન્‍ડમાં કોઇપણ પ્રકારની અગવડતા પડેતો તેના માટે હેલ્‍પ લાઇન નં. ૮૯૮૦૧૮૪૪૦૧ ઉપર સંપર્ક કરી શકાય છે. રાસોત્‍સવ રાત્રીના ૮ વાગ્‍યે શરૂ થશે અને૧૨ વાગે પુર્ણ થશે.

સતત ૧૪માં વર્ષે અબતક સુરભી નવરાત્રી રાસોત્‍સવ ૨૦૨૨નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. વિશાળ ગ્રાઉન્‍ડમાં  પારિવારિક વાતાવરણમાં ૯ થી ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ મનમુકીને રમી શકે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

તા.૨૬ને સોમવારે સાંજે ૮ વાગ્‍યાથી શરૂ થશે સુરભી રાસોત્‍સવનું રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે વિશાળ  પટાંગણમાં  ચુસ્‍ત બાઉન્‍સર સિક્‍યુરિટી અને આખા ગ્રાઉન્‍ડમાં સીસીટીવી કેમેરાની વ્‍યવસ્‍થા  વચ્‍ચે ૯ થી ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને બે હજાર થી વધુ લોકો  નિહાળી શકે તેમજ વી.વી.આઇ.પી.બેઠક વ્‍યવસ્‍થા. સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્‍યુ છે. કંઇક નવું જ આપવાના ભાગ રૂપે ગ્રાઉન્‍ડમાં લાઇટોનું ડેકોરેશન કરી રાત્રીના પણ દિવસ જેવુ વાતાવરણ કરી દેવામાં આવશે.તેમજ વરસાદને પહોંચી વળવા માટે ખાસ પાણીના નિકાલ કરવાની અને તાત્‍કાલીક મેદાન રમવાલાયક સ્‍થિતિમા લાવવાની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.આ આયોજનમાં સિંગર જીતુદાદ ગઢવી, ફરીદા મીર અને આસિફ જેરિયા પોતાના મધુર અવાજના સંગાથે ખેલૈયાઓને સંગીતના તાલે  ઝુમાવશે. તેમજ ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓમાં ઉત્‍સાહ વધારવા માટે૧.૫ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ અને ફાયર એન્‍ડ વોટર ડ્રમની વ્‍યવસ્‍થા કરેલ છે.

અબતક સુરભી નવરાત્રી ૨૦૨૨ રાસોત્‍સવમાં અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, વિશાળ મેદાન, લાઇટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજશે, ખાસ આયોજક ટીમ દ્વારા સુરક્ષાને પ્રાધાન્‍ય આપવામાં આવે છે. જેથી વેલટ્રેડ અને સર્ટિફાઇડ બાઉન્‍સરની ટીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત પાણી અને પાર્કિંગ સુવિધા નિઃશુલ્‍ક રાખવામાં આવી છે.આયોજનમાં સતીશ મહેતા, ગૌરવ બુચ, રૂપેશ ત્રિવેદી, વિજયભાઇ વાળા અને પંકજભાઇ સખીયાએ જહેમત ઉઠાવી છે.

આ અંગે વધુ માહિતી તેમજ પાસ માટે મો.૯૮૨૪૪૦૮૫૯૦ અથવા રૂબરૂ ટાગોર રોડ, સિલ્‍વર ચેમ્‍બર ઓફિસ નં. ૧૨૪ ખાતે સંપર્ક કરવો.

 તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી વિજયભાઇ વાળા, ગૌરવ બુચ, પંકજભાઇ સખીયા, જયેશ રાવરાણી, હિરેન અકબરી, રવિરાજ વાળા, પ્રતિક ચાવડા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)