Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટ ડેરી રબડી-પનીર બનાવશેઃ સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ

વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાની જાહેરાતઃ દૂધમાં ભેળસેળ સામે આકરી ચીમકીઃ ડેરીનું ગોપાલ મિલ્ક પાર્લર શરૂ કરાશેઃ વિતેલા વર્ષમાં ૭૭૬ કરોડનું ટર્ન ઓવર, નફો ૪.૧૧ કરોડઃ ઘી-છાશના વેંચાણમા વધારો

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)ની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, સહકારી અગ્રણીઓ મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ રાણપરિયા, ડી.કે. સખિયા, મનસુખ ખાચરિયા, ભાનુભાઈ મેતા, અરવિંદ તાળા, લાખાભાઈ સાગઠિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૨૩ :. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ પાંચ ઝોમાં સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવેલ હતી. જેમા રાજકોટ, વાંકાનેર, જસદણ, ગોંડલ અને ધોરાજી મુકામે જે તે વિસ્તારના તાલુકાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી. અધ્યક્ષે પનીર પ્લાન્ટ સહિતની જાહેરાતો કરી છે.

૬૦માી વાાર્ષિક સાધારણસભામા ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને દેવેનકુમાર દેસાઈ, નિયામક મંડળના સભ્યો - સહકારી તેમજ રાજકીય આગેવાનો અને ઉપસ્થિત પદાધિકારીઓનું સ્વાગત સંઘના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ધામેલીયાએ કરી સંઘની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી રાજકોટ ખાતે શરૂ કરેલ અને બાકીના ૪ સ્થળોને સભ્ય મંડળીઓના પ્રતિનિધિઓએ વિડીયો કોન્ફરન્સ મારફત સંઘનો અહેવાલ અને હિસાબો સાંભળેલ હતા.

સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ કે વરસાદ, ઘાસચારાની સમસ્યા, કપાસીયા, ખોળનો અતિભાવ વધારો, પશુઓમા રોગ વગેરે કારણોસર દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયેલ હતો. જેને કારણે ૨૦૧૮-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦માં ૧૧ ટકા જેટલુ દૂધ સંપાદન કરેલ છે. આમ છતા જે તે વખતના અધ્યક્ષ તથા નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવા માટે ૨૦૧૮-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦મા કિલો ફેટે રૂ. ૨૧નો વધારો ચુકવવાનો સાહસપૂર્ણ નિર્ણયલ લીધેલ છે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા હંમેશા કહેતા હતા કે સહકારી સંસ્થા નફા માટે કામગીરી કરતી નથી, પરંતુ આપણા સભાસદોને વધુમાં વધુ સેવા આપી તેનો આર્થિક, સામાજિક વિકાસ માટે કામગીરી કરે તે ઉદ્દેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થા કાર્યરત છે. સભાસદા અકસ્માત વિમા યોજનામાં દૂધ ઉત્પાદકોનો રૂ. ૫ લાખનો વિમો લેવામાં આવતો હતો. તે ગત વર્ષથી રૂ. ૧૦ લાખનો કરેલ છે. જેનુ ૧૦૦ ટકા પ્રિમીયમ દૂધ સંઘ તરફથી ભરવામાં આવેલ છે. જે પ્રણાલી અમે પણ ચાલુ રાખેલ છે. આ ઉપરાંત આપણા પશુ ચિકિત્સકો  દ્વારા દૂધ ઉત્પાદકોના પશુઓ સ્વસ્થ રહે તે માટે પશુ સારવાર કેમ્પ, ફર્ટલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, પશુ સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની યોજના તેમજ દૂધ ઉત્પાદકોમાં જાગૃતિ માટે સંઘે શરૂ કરેલ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને આપણા દૂધાળા પશુઓને સમતોલ પશુ આહાર મળી રહે અને વધુમાં વધુ અપનાવે તે માટે દાણ અને મીનરલ મિક્ષ્ચરમાં સબસીડી જેવા નિર્ણયો કરી તેનો અમલ કરતા સંઘે વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૧૨ થી ૧૫ કરોડની સીધી કે આડકતરી સહાય ચુકવેલ છે.

ગોરધનભાઈ ધામેલિયાએ જણાવેલ કે ગુજરાત અન્ય દૂધ સંઘોની સરખામણીએ આપણો વિકાસ ઓછો છે. આપણા ખેડૂતો, દૂધ ઉત્પાદકો પશુપાલનના વ્યવસાયથી વિમુકત થતા જાય છે.જેના અનેક કારણો છે, પરંતુ ખેતી અને પશુપાલનએ ગ્રામ્ય અર્થતંત્રના બે મહત્વના અંગો છે.

આપણા ગ્રાહકો દૂધ અને દૂધની બનાવટો માટે અમૂલ તેમજ ગોપાલ બ્રાન્ડ ઉપર વધુ વિશ્વાસ મુકે તે માટે અને પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ આપણી દૂધ મંડળી દ્વારા જે દૂધ સંપાદન થતુ હોય તેમાં દૂધની ગુણવત્તા તેમજ સ્વચ્છતા ઉપર દરેક મંડળીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દૂધમાં અમુક સ્થાપિત હિતો દ્વારા ભેળસેળ કરવાની વૃતિ ધરાવે છે. તેવા તત્વોને ઓળખી તેમનુ દૂધ મંડળી કક્ષાએ ન આવે તેવા કડક પગલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, કમિટી સભ્યો તેમજ કર્મચારીઓએ લેવાના રહેશે. અમારૂ વિનાયક મંડળ દૂધમા ભેળસેળ આવે તે માટે કડકમાં કડક પગલા લેવા માટે કૃતનિશ્ચયી છે. આ માટે અમે મંડળીઓ ઉપર પણ કડક પગલા લેશું.

આપણી મંડળીઓ, ડેરી પ્લાન્ટો સ્વચ્છ અને સુઘડ હોય, કર્મચારીઓ, શિસ્ત અને નિયમ મુજબ કામગીરી કરવા હોય, દૂધ મંડળીના વહીવટમાં કમિટી સભ્યો નિયમીત રસ લેતા હોય અને દૂધ ઉત્પાદકો સારી ગુણવત્તાયુકત દૂધ નિયમીત ભરતા હોય તો ચોક્કસ આપણે આ ડેરી મારફત આપણા ચાહકોનો વિસ્વાસ સંપાદન કરી આપણે આપણા ઉત્પાદનોનું વેચાણ વધારી તેમા મહત્તમ લાભ આપણા દુધ ઉત્પાદકોને મળે તે બાબતે આપણે સાથે મળીને કાર્ય કરવાનું રહેશે. ગત વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કદાચ દૂધ ઉત્પાદકોની સંપૂર્ણ રીતે અપેક્ષાઓ સંતોષી શકાય નથી ત્યારે આપ સૌને અમે ખાત્રી આપીએ છીએ કે પરિસ્થિતિનો વાસ્તવિકતાથી સ્વીકાર કરી ભવિષ્યમાં આપની અપેક્ષાઓ પૂર્ણ કરવા સહકાર આપો તેવી અપીલ કરી છે.

રાજકોટ દૂધ સંઘમાં ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આપણા ઉત્પાદનો વધારવા માટેના પ્લાન્ટ નાખવાનું વિચારી રહી છે. આ માટે પનીર, ફોજન પનીર, રબડી, ખાદ્યત પદાર્થોના અન્ય ઉત્પાદકો કરવાનું આયોજન છે. આ ઉપરાંત બટર મેકીંગ મશીન વસાવી ઘીની ગુણવત્ત સુધારવાનું પણ આયોજન કરેલ છે. ભવિષ્યમાં આપણા ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજકોટ શહેર ગોપાલ મિલ્ક પાર્લર શરૂ કરવાનું આયોજન છે તેમ ગોરધનભાઈ  ધામેલિયાએ જાહેર કર્યુ હતું.

કોરોના મહામારીમાં રાજકોટ દૂધ સંઘે વિશિષ્ટ જવાબદારો સ્વીકારી આ મહામારી વચ્ચે દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, ટ્રાન્સપોર્ટરો, કર્મચારીઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રીટેલર્સ તમામે પોતાનું યોગદાન આપેલ છે. આપણે આ મહામારી દરમિયાન એક પણ મિલ્ક હોલી ડે રાખ્યા વગર અને વિતરણ વ્યવસ્થામાં કોઈપણ જાતના વિક્ષેપ વગર દૂધ ઉત્પાદકોની દૂધના ગ્રાહકો સુધી દૂધ સંપાદન અને વિતરણ વ્યવસ્થા જાળવી તમામે મોટી સેવા કરેલ છે.

આજની સાધારણસભામાં સંઘના મેનેજીંગ ડિરેકટર વિનોદભાઈ વ્યાસ, જનરલ મેનેજર અને અધિકારીઓ ઉપસ્થિત રહી સાધારણસભા સફળ થાય અને વિડીયો કોન્ફરન્સ દ્વારા અન્ય ચાર સ્થળોએ સાધારણ સભાના પ્રતિનિધિધઓની ભાગીદારી રહે તે માટે સંઘના અધ્યક્ષે અભિનંદન આપેલ હતા.

(3:27 pm IST)