Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ચોખા કૌભાંડ : સવારથી સસ્તા અનાજના દુકાનદાર બદરૂદ્દીન વિરાણી ઉપર પૂરવઠાની ધોંસ : તમામ બાબતની તપાસણી શરૂ કરાઇ

DSO પૂજા બાવડાનું પોતાનુ સુપરવીઝન : સ્ટોક - કાર્ડ હોલ્ડરોના નિવેદનો - અન્ય દુકાનોની સંડોવણી વિગેરે બાબતે ધમધમાટ : બદરૂદ્દીન સામે લાયસન્સ સસ્પેન્ડ - ફોજદારી સહિતના તોળાતા આકરા પગલા : બપોર બાદ અનેક વિગતો ઉજાગર થશે : DSO સાથે વાતચીત : ગોંડલ યાર્ડમાં પણ તપાસ અંગે આદેશો : સમગ્ર જિલ્લામાં પગેરા ખૂલશે ?!

રાજકોટ તા. ૨૨ : રાજકોટમાં સસ્તા અનાજના ચોખા - ૪૭ બાચકા - બારોબાર ગોંડલ માર્કેટ યાર્ડમાં ધકેલવા અંગે પોલીસે કૌભાંડ ઝડપી લેતા અને પોલીસે રાજકોટ પૂરવઠા તંત્રને જાણ કરતા આજ સવારથી ડીએસઓ શ્રી પૂજા બાવડાના પોતાના ડાયરેકટ સુપરવિઝન હેઠળ ઇન્સ્પેકટરો કિરીટસિંહ ઝાલા - રવિરાજ સહિતની ટીમો સવારથી તપાસમાં દોડી ગઇ છે, અને રામનાથપરા-૧માં આવેલ બદરૂદ્દીન વિરાણીની પૂછપરછ, ચોખા સહિતની તમામ વસ્તુઓના સ્ટોકની ગણત્રી, કાર્ડ હોલ્ડરોના નિવેદન, ગોંડલ યાર્ડમાં તપાસ, સમગ્ર જિલ્લામાં પગેરા છે કે કેમ તથા અન્ય દુકાનદારોની સંડોવણી - તેમનો માલ છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન ડીએસઓ શ્રી પૂજા બાવડાનો સંપર્ક કરતા તેમણે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે, બપોર બાદ કંઇક નવાજૂની બહાર આવશે, અનેક વિગતો ઉજાગર થશે, દુકાનદારનો જે કોઇ ફોલ્ટ હશે તે સંદર્ભે સીઝર સહિતની આકરી કડક કાર્યવાહી થશે.

તેમણે જણાવેલ કે, દુકાનદારને નોટીસ ફટકારી તેનું લાયસન્સ સસ્પેન્ડ અને ફોજદારી સહિતની કાર્યવાહી થશે તેમજ જેમના નામો ખૂલશે તે તમામ દુકાનદાર, માર્કેટ યાર્ડના દુકાનદાર સહિત તમામ સામે કાર્યવાહી થશે, હાલ તપાસ ચાલુ છે, બપોર બાદ અમે નવી વિગતો આપીશું.

(12:54 pm IST)