Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મોરબી રોડ પરના અર્જુન પાર્કના પ્લોટ ધારકોની મુખ્યમંત્રી-પોલીસ કમિશનરને લેખિત રજૂઆત

ભૂપત ભરવાડ સહિતના વિરૂધ્ધ થયેલી ફરિયાદમાં પોલીસની કામગીરીની પ્રશંસાઃ હજુ અનેક મુદ્દે ન્યાયી તપાસ કરવાની માંગણી

રાજકોટ તા. ૨૩: મોરબી રોડ પર આવેલા અર્જુન પાર્કના પ્લોટ ધારકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક અરજી કરી આ અંગે પોલીસ કમિશનરશ્રીને પણ રજૂઆત કરી છે. અર્જૂન પાર્કના જમીન કોૈભાંડ મામલે પોલીસે ભૂપત ભરવાડ સહિતની સામે કરેલી કાર્યવાહીની પ્લોટ ધારકોએ પ્રશંસા કરી છે. સાથો સાથ હજુ પણ અનેક મુદ્દે તપાસ કરાવવી જરૂરી હોવાનું અને કાયદાની ચુસ્ત અમલવારી કરાવવા માંગણી કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે ભૂપત ભરવાડ અને તેના સાગ્રીતોએ આ સોસાયટીના પ્રયોજકો અને હોદ્દેદારો જે ફાજલ જમીન સરકારની માલિકીની હતી તેમાં સરકારનો કાયદો અર્થહીન કરવા બોગસ પ્લાન બનાવી, બોગસ રસીદો, બોગસ સર્ટિફિકેટ અને બોગસ સનદો બનાવી વેંચાણ કરી પ્લોટ ખરીદનારાઓ પાસેથી મોટી રકમ વસુલ કરી કલેકટર, મ્યુ. કમિશનર, નગર નિયોજક કચેરીમાં ખોટા નિવેદનો, સોગંદનામાઓ કરી કોૈભાંડ આચર્યુ હોઇ આ મામલે સોસાયટીના પ્રશ્નનો રાજ્ય તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવા અને કોઇપણ આ કાયદાની ચુંગાલમાંથી છટકી ન જાય તે માટે સઘન તપાસ કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે અમે અર્જુન પાર્કના પ્લોટ હોલ્ડર અને કબ્જેદાર છીએ. અમે અમારી મરણમુડી સોસાયટીના પ્રયોજકોને ૧૯૯૬માં ચુકવી છે. જેને ૨૫ વર્ષ થયા છે. પ્લોટ હડપ કરવાનો કારસો અટકાવવા શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચના એસીપી સહિતે કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે. આરોપીઓ કાયદાની ચુંગાલમાંથી છટકે નહિ તે માટે કલેકટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીએ જે કાયદાકીય કાર્યવાહી કરી તે પણ નોંધનીય છે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે પોલીસની તપાસ હાલના તબક્કે નાજુક તબક્કામાં છે. રાજ્ય સ્વાગત અને જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત થઇ છે. જેથી કલેકટર અને પોલીસ કમિશનર કચેરીમાં પ્લોટ ધારકોની લેખીત રજૂઆતો રેકર્ડ પર છે. આ મુદ્દાઓની સઘન તપાસ જરૂરી છે. અર્જુન પાર્કનું બોર્ડ કોની સુચનાથી તોડવામાં આવ્યું? આંટ વાળવામાં આવી તે કોની સુચનાથી થઇ? તેની તપાસ જરૂરી છે. જમીનનો કબ્જો પ્લોટ ધારકો પાસે હાલ માત્ર કાગળ ઉપર છે. આમ છતાં તેઓ વેરો ભરે છે, લાઇટ બીલ ભરે છે. છતાં સરકારી રેકર્ડમાં જમીન ખાલી દેખાડાઇ છે. આ અંગે કલેકટરશ્રીને લેખીતમાં જાણ કરાઇ છે.

અગાઉ ભુમાફીયાઓએ જેસીબીની પ્લોટ ધારકનું મકાન તોડી પાડ્યું હતું. એ કામ કોની સુચનાથી થયું? નાણા કોણે ચુકવ્યા? આ સહિતની તપાસ પણ થવી જરુરી છે. પ્લોટ ધારકોના કબ્જાવાળી જમીનનું બીજી વખત વેંચાણ કરી કોૈભાંડ આચરાયું છે. તેમાં એક સ્થળ પર ઓફિસ બનાવાઇ છે. આ બાબતે પણ તપાસ થવી જોઇએ. તેમ વધુમાં અર્જુન પાર્કના પ્લોટ ધારકોને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

(3:39 pm IST)