Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

લીલીયાનો ખૂંખાર ચંપુ બે પિસ્તોલ-રિવોલ્વર સાથે દબોચાયો

મુખ્ય પોલીસ વડાએ શહેર પોલીસ કમિશનરને સોૈરાષ્ટ્રભરની ગુનાખોરી પર નજર રાખવા સોંપેલી જવાબદારી સાર્થક નીવડીઃ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો શખ્સ ૨૦૧૬માં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર હતોઃ આ સમયમાં અન્ય હત્યાની કોશિષનો ગુનો અને ગુજસીટોક હેઠળના ગુનામાં સંડોવાયો'તોઃ અમરેલી પોલીસ જેને ન શોધી શકી તેને રાજકોટ ક્રાઇમ બ્રાંચે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પકડ્યોઃ શિવરાજ ઉર્ફ મુન્ના વીછીંયા, શૈલેષ ચાંદુ, અશોક બોરીચા, સોનલ ઉર્ફ સોનુ ઉર્ફ ઉષા ચંદુભાઇ ડાંગર સહિતની ટોળકીનો ચંપુ સભ્યઃ તાજેતરમાં ગુજસીટોક હેઠળના ગુનામાં પણ વોન્ટેડ હતોઃ કોન્સ. કુલદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ અને પ્રદિપસિંહની બાતમીઃ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, જેબલીયા, જાડેજા અને ટીમને સફળતા

સાવરકુંડલાના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને ચાર વર્ષ પહેલા પેરોલ પર છુટ્યા બાદ સતત ફરાર રહી આ સમયગાળામાં પણ હત્યાની કોશિષ, ગુજસીટોક સહિતના ગુનામાં સંડોવાયેલો નાના લીલીયાનો ચંપુ વીછીંયા કે જેને અમરેલી પોલીસ સતત ચાર વર્ષથી શોધતી હતી તેને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે બે ગેરકાયદેસર હથીયારો અને જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. આ અંગેની માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી અને ટીમના પીએસઆઇ ધાખડા, પીએસઆઇ જેબલીયા, પીએસઆઇ જાડેજા સહિતના તેમજ ઝડપાયેલો ચંપુ વીછીંયા અને કબ્જે થયેલા હથીયાર-કાર્ટીસ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: થોડા સમય પહેલા રાજ્યના મુખ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ રાજકોટની મુલાકાત વખતે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સિનીયોરીટી અને ટેકનિકલ જ્ઞાનને ધ્યાનમાં રાખી તેમને રાજકોટ ઉપરાંત સોૈરાષ્ટ્રભરની ગુનાખોરી પર નજર રાખવા ઓૈપચારીક જવાબદારી સોંપી હતી. તે અંતર્ગત તેમની રાહબરી હેઠળની ક્રાઇમ બ્રાંચની ટીમે અમરેલીના લીલીયા તાબેના નાના લીલીયાના  ખૂંખાર ચંપુ બાબાભાઇ વીંછીયા (ઉ.વ.૪૦)ને દેશી બનાવટની બે પિસ્તોલ, રિવોલ્વર અને છ જીવતા કાર્ટીસ સાથે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી રંગુન માતાજીના મંદિર નજીકથી દબોચી લીધો છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ચંપુ પેરોલ જંપ કરી ચાર ષર્વથી ફરાર હતો. આ સમય દરમિયાન અન્ય એક હત્યાનો પ્રયાસ તથા સોનુ ડાંગર સહિતની સાથે ગુજસીટોક હેઠળનો મળી બે ગુના તેના વિરૂધ્ધ નોંધાયા હતાં. અમરેલી પોલીસ તેને લાંબા સમયથી શોધતી હતી, પરંતુ હાથમાં આવતો નહોતો. જેને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

ક્રાઇમ બ્રાંચની ટૂકડી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા શખ્સોને શોધી કાઢવાની કામગીરી માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. કુલદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી ચંપુ વીંછીયાને પકડી લઇ તેની પાસેથી રૂ. ૨૦ હજારની દેશી રિવોલ્વર, રૂ. ૨૦ હજારની દેશી પિસ્તોલ, રિવોલ્વરના ૦૨ કાર્ટીસ અને પિસ્તોલના ૦૪ કાર્ટીસ કબ્જે કર્યા છે.

ચંપુ સામે વર્ષ ૨૦૧૧માં સાવરકુંડલા રૂરલ પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને આજીવન કેદની સજા થઇ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮માં સાવરકુંડલા પોલીસ મથકમાં કાવત્રુ ઘડી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો, તેમજ તાજેતરમાં સાવરકુંડલા રૂરલમાં આતંકવાદ અપરાધ નિયંત્રણ (ગુજસીટોક) હેઠળ પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ૧૮/૦૫/૨૦૧૬થી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ કરી હોય તેનો ગુનો નોંધાયો હતો.  ગુજસીટોકના ગુનામાં તે ફરાર હતો.

સાવરકુંડલાના જુના સાવર ગામે પૈસાની ઉઘરાણીમાં તેણે ૨૦૧૧માં ભરતભાઇ ડાયાભાઇ લહેરી નામના વ્યકિતની હત્યા કરી હતી. જેનો કેસ ચાલી જતાં ૧૭/૯/૨૦૧૩ના આજીવન કેદની સજા થઇ હતી.  ત્યારથી તે રાજકોટ જેલમાં હતો. તા. ૧૮/૦૫/૨૦૧૬ના રોજ તેને પેરોલ રજા મળતાં એ પછી તે રજા પુરી થયે હાજર થયો નહોતો અને ફરાર હતો.

ફરાર રહ્યો એ ગાળામાં સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે ૨૦૧૮માં મેહુલભાઇ મોહનભાઇ સાપરીયા અને તેના ભાગીદાર ધીરૂભાઇ ખુમાણ સાથે ચંપુના મિત્ર શિવા વાલાભાઇને પૈાસ બાબતે બોલચાલી થઇ હોઇ તેની માથાકુટમાં શિવા તેમજ ચંપુ સહિતે મળી મેહુલભાઇની કારને ઓળીયા ગામ પાસે આંતરી કાર પર ફાયરીંગ કર્યુ હતું. આ અંગે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ૧૮/૨૦૧૮ આઇપીસી ૩૦૨, ૧૨૦-બી, આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેના વિરૂધ્ધ સીઆરપીસી ૭૦ મુજબનું વોરન્ટ પણ ઇશ્યુ થયું હતું. અમરેલી પોલીસ સતત તેને શોધતી હતી પણ તે હાથમાં આવતો નહોતો.

ચંપુ વીછીંયા સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકી રચી તેમાં પણ સામેલ થયો હતો. કુખ્યાત શિવરાજ ઉર્ફ મુન્ના રામકુભાઇ વીછીંયા, શૈલેષ નાથાભાઇ ચાંદુ, અશોક જયતાભાઇ બોરીચા, સોનલ ઉર્ફ સોનુ ઉર્ફ ઉષા ચંદુભાઇ ડાંગર સહિતની ટોળકીનો તે સભ્ય છે. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પણ ચંપુ ફરાર હતો.

આ શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લેતાં રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને સોૈરાષ્ટ્રભરની ગુનાખોરી પર નજર રાખવા સોંપેલી જવાબદારી સાર્થક થઇ છે તેમ જણાય છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જેબલીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી છે.

ટીમને પુરષ્કાર

ચાર વર્ષથી ફરાર અને આ સમયગાળામાં પણ ગંભીર ગુનાઓ આચરનારા ચંપુ વીછીંયાને દબોચી લેનાર શહેર ક્રાઇમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનરશ્રીએ રૂ. ૧૫૦૦૦નો રોકડ પુરષ્કાર આપી કામગીરીને બિરદાવી હતી.

(3:51 pm IST)