Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટ અને સુરેન્દ્રનગર જેલમાં અચાનક CID ક્રાઇમની ટુકડીનું ચેકીંગઃ કંઇ વાંધાજનક ન મળ્યું

ગોંડલ સબ જેલમાં રહેલ નામચીન નીખીલ દોંગા ગેંગના હવાલા સહિતના કરતૂતો બહાર આવ્યા બાદ

રાજકોટ તા. ર૩: ગોંડલની સબ જેલમાં બેઠા બેઠા સંગઠ્ઠીત ગુન્હાહિત સામ્રાજય ચલાવનાર કુખ્યાત નીખીલ દોંગા ગેંગના કરતૂતો બહાર આવ્યા બાદ રાજયના પોલીસ વડાની સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમની ટુકડીએ રાજકોટ અને સુરેન્દ્રનગર જેમાં અચાનક છાપો મારી ચેકીંગ કર્યું હતું પણ બંન્ને જેલમાંથી કોઇ કેદી પાસેથી પ્રતિબંધીત વસ્તુઓ મળી ન આવી હતી.

ગોંડલનો કુખ્યાત નીખીલ દોંગા ગોંડલ સબ જેલમાં બેઠા બેઠા સંગઠ્ઠીત ગુન્હાહિત સામ્રાજય ચલાવતો હોવાનું ખુલ્યા બાદ રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદિપસિંહ તથા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ નામચીન નીખીલ દોંગા તથા તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી નીખીલ દોંગા ગેંગના ૯ સાગ્રીતોને ઝડપી લીધા હતા અને હાલ આ તમામ સાગ્રીતો પોલીસ રીમાન્ડ હેઠળ છે તેમજ મુખ્ય સુત્રધાર નીખીલ દોંગા તથા તેના અન્ય બે સાગ્રીતોનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો લઇ આજે રીમાન્ડ અર્થે રાજકોટ સ્પેશીયલ કોર્ટમાં રજુ કરાનાર છે.

દરમિયાન ગોંડલ સબ જેલમાં રહેલ નીખીલ દોંગા ગેંગના નાણાની ઉઘરાણીના હવાલા સહિતના કરતૂતો બહાર આવ્યા બાદ ચોંકી ઉઠેલ રાજય પોલીસ વડા આશિષ ભાટીયાની સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમના વડા ટી. એસ. બિસ્ટના માર્ગદર્શન હેઠળ રાજકોટના સી.આઇ.ડી. ક્રાઇમના ડી.વાય.એસ.પી. પટેલ તથા ટીમ આજ સવારે અચાનક રાજકોટ સેન્ટ્રલ જેલમાં ચેકીંગ કર્યું હતું. સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે રાજકોટ સેન્ટ્રલ જેલના તમામ બેરેકોનું ચેકીંગ કર્યું હતું પણ જેલના કેદીઓ કે બેરેકમાંથી કોઇ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી ન આવી હતી.

ગઇકાલે પણ રાજકોટ સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે સુરેન્દ્રનગર મુખ્ય જેલમાં અચાનક ચેકીંગ કર્યું હતું. પણ કોઇ પ્રતિબંધીત વસ્તુઓ મળી ન આવી હતી. રાજકોટ અને સુરેન્દ્રનગર જેલમાં સી.આઇ.ડી. ક્રાઇમે અચાનક ચેકીંગ કરતા જેલના કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.

(4:23 pm IST)