Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પત્નિ અને સંતાનને ભરણ પોષણ નહિ ચુકવનાર આધેડ પતિને ૧૦ માસની સજા

રાજકોટ, તા. ૨૨ :. ફેમીલી કોર્ટે ભરણપોષણના કેસમાં પત્ની તથા સગીર બાળકને દોઢ વર્ષથી (અઢાર માસ)થી મંજુર થયેલ ચડત ભરણપોષણની રકમ આધેડ વયના પતિએ નહીં ચુકવતા કોર્ટે પતિને નવ માસ અને ૨૬ દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત મુજબ રૈયાધાર પાણીના ટાંકા સામે, મફતીયાપરા ખાતે રહેતા આહીર શોભનાબેન લક્ષ્મણભાઈ ડાંગર તથા સગીર અભય લક્ષ્મણભાઈ ડાંગર એ તેમના આધેડ વયના પતિ લક્ષ્મણભાઈ કમાભાઈ ડાંગર રે. નવા ખીજડીયા પોસ્ટ હડમતીયા, તા. ધ્રોલ, જિ. જામનગર સામે ભરણપોષણ મેળવવા અરજી દાખલ કરેલ. જે અરજીમાં કેસ ચાલતા સમય સુધી વચગાળાનું ભરણપોષણ માંગેલ. જેથી કોર્ટે અરજદારની વચગાળાની ભરણપોષણની અરજી મંજુર કરી અરજદારને માસિક રૂ. ૩૦૦૦ તથા સગીર બાળકને માસિક રૂ. ૧૫૦૦ મળી કુલ રૂ. ૪૫૦૦ માસિક ભરણપોષણ પેટે પતિને ચૂકવવા આદેશ કરેલ.

કોર્ટના હુકમનું પતિ પાલન કરતા ન હોય અરજદારે તેમના એડવોકેટ મારફત ચડત ભરણપોષણની રકમ વસુલ કરવા માટે અરજી દાખલ કરેલ. અરજદારની ચડત ભરણપોષણની અરજી મંજુર થયેલ હોવા છતાં અરજદારના પતિ લક્ષ્મણભાઈ કમાભાઈ ડાંગર કે જેની હાલ ઉ.વ. ૫૫ જેટલી છે. કોર્ટે મંજુર કરેલ ચડત ભરણપોષણ પેટે આજદિન સુધી એક પણ રકમ જમા કરાવેલ ન હતી. જે ધ્યાને લઈ અરજદારે કોર્ટમાં પોતાના આધેડ વયના પતિ વિરૂદ્ધ વોરન્ટ ઈસ્યુ કરાવેલ.

આ વોરન્ટ લક્ષ્મણભાઈ ડાંગરને યોગ્ય રીતે બજી ગયેલ અને તેઓ કોર્ટમાં હાજર રહેલ. અદાલતે પતિને ચડત ભરણપોષણની રકમ ભરવાનું જણાવતા પતિએ ભરવા અંગે ચોખ્ખી ના પાડી દીધેલ જેથી કોર્ટે પતિની આવી બેદરકારી ભરી નીતિ સામે લાલ આંખ કરી સામાવાળાની વર્તુણકની ગંભીર નોંધ લઈ પતિને પત્નિ અને સગીર બાળકને કુલ અઢાર માસની કુલ રૂ. ૮૯,૦૦૦ની ચડત ભરણપોષણનની રકમ ન ચુકવતા અદાલતે નવ માસ અને ૨૬ દિવસની સાદી કેદની જેલ સજાનો હુકમ ફરમાવેલ છે. કોર્ટના કડક વલણથી પત્નિને ભરણપોષણની રકમ ન ચુકવતા પક્ષકારોમાં ફફડાટ ફેલાયેલ છે.

આ કામમાં અરજદાર શોભનાબેન લક્ષ્મણભાઈ ડાંગર તથા સગીર બાળક વતી અજય કે. જોબનપુત્રા, યશસ્વી એસોસીએટસના એડવોકેટ વિવેક ધનેશા, કિશન રાજાણી, વિજય સીતાપરા, પૂનમ પટેલ, એડવોકેટ દરજ્જે તથા જલ્પાબેન ખીમસુરીયા, વનિતાબેન વાઘેલા, શૈલેષ વકાતર રોકાયેલ છે.

(10:41 am IST)