Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સદી પૂર્વે ગાંધીજીની 'કચ્છ યાત્રા'ના સંસ્મરણો

'કચ્છ છોડતી વેળાએ વચન આપ્યું છે તે પ્રમાણે જો કચ્છનાં સ્વયંસેવકો પોતાનું કાર્ય કર્ય જશે અને મારી હાજરી ઈચ્છશે તો હું અવશ્ય ત્યાં ફરી જઈશ.'

-ગાંધીજી

'કચ્છની મુસાફરીથી મને પશ્ચાતાપ નથી થતો. પરંતુ, હું મારી જિંદગીનો એક કિંમતી અનુભવ ગણું છું. ત્યાં પ્રેમનો અનુભવ મને બીજે જેવો જ થયો.'

-ગાંધીજી

'૨૦૦ વર્ષ પહેલાંની સ્થિતિ કેવી હતી તે જોવું હોય તો કચ્છ જોઈ આવો'

-સરદાર વલ્લભભાઈ પટેલ

'મારા ૩૦ વર્ષોનાં જાગૃત અનુભવથી કહું છું કે દ્રઢતા, સત્ય અને વિનયથી જે ફરિયાદો હોય તે એકવાર મહારાવને કહી સંભળાવશો.'

-ગાંધીજી

 'માંડવીમાં બ્રહ્મપુરીમાં જાહેરસભા યોજાઈ પણ હરિજનોનો પ્રવેશ થતાં બ્રહ્મપુરીનાં મહંત નારાજ થયા અને સભા બરખાસ્ત થઈ. બીજા દિવસે, માંડવીમાં અન્ય સ્થળે જાહેરસભા યોજાઈ.'

 'ભુજમાં નાગર-વંડીમાં યોજાયેલ જાહેર સભામાં હરિજનોને અલગ બેસાડવામાં આવ્યા, જેથી ગાંધીજી બહુ જ નારાજ થયા. ગાંધીજીનાં અનુયાયી નાગર અગ્રણીઓ હરિજનો સાથે બેઠા હતા. તેઓ જ્ઞાતિ બહાર મુકાયા. બીજા દિવસે પુનઃ જાહેરસભા યોજાઈ, અને હરિજનો સાથે બેઠા.'

 'માંડવીમાં સરદાર વલ્લભભાઈએ ગાંધીજીને સમજી ન શકનાર રૂઢીચુસ્ત લોકોની આકરી ઝાટકણી કાઢી'

'અંજારમાં જાહેર સભામાં આયોજનમાં પ્રમુખશ્રીએ ગાંધીજીને માનપત્ર આપ્યું પણ તેમનો સ્પર્શ ન થાય તે માટે ગાંધીજીનાં હાથમાં ફેક્યું. ગાંધીજીએ જાહેરસભામાં રામધૂન બોલાવી અને સભા બરખાસ્ત કરી.'

કચ્છની મૂલાકાતે ગાંધીજી તા. ૨૨/૧૦/૧૯૨૫ માં મુંબઈથી માંડવી બંદરે પહોંચ્યા અને કચ્છનાં ઈતિહાસમાં તેમની ઉપસ્થિતિથી કચ્છી સમાજ ખૂબ જ પ્રભાવિત થયો. ગાંધીજીની મૂલાકાત દરમ્યાન કચ્છનાં અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું. પરંતુ, કેટલાક કડવા અનુભવો પણ તેમને થયા હતા. ગાંધીજી સાથે સરદાર પટેલ અને મહાદેવભાઈ પણ જોડાયા હતા. તા. ૦૪/૧૧/૧૯૨૫ નાં રોજ તુણા બંદરેથી જામનગર પહોચ્યા. ગાંધીજીની કચ્છ યાત્રા માટે કચ્છ તથા મુંબઈનાં કચ્છીઓએ આયોજન કર્યું હતું. જો કે, ગાંધીજીની મૂલાકાતને ૯૫ વર્ષ થયા એટલે તે સમયની પેઢી તો હવે વિદાય લઈ ગઈ હશે.

 ગુજરાત રાજ્યનાં વિસ્તારની દ્રષ્ટીએ ૨૫% જેટલો વિસ્તાર એટલે ૪૫,૬૫૨ ચો.મી. જેટલો વિસ્તાર કચ્છ ધરાવે છે. સદીઓથી મહારાઓશ્રીઓનું શાસન હતું અને કચ્છમાં વિકાસનું અસ્તિત્વ ન્હોતું. મધ્યયુગની પરિસ્થિતિની પ્રવર્તતી હતી. સરદાર પટેલે કહ્યું હતું કે ૨૦૦ વર્ષ પહેલાની સ્થિતિ કેવી હતી તે જોવું હોય તો કચ્છ જોઈ આવો.

 ભુજ મધ્યે કચ્છનાં મહારાઓશ્રી ખેંગારજીબાવા અને ગાંધીજી રૂબરૂ મળ્યા અને કચ્છનાં પ્રશ્નો અંગે સવિસ્તર ચર્ચા થઈ. કચ્છ ગુજરાતથી અલિપ્ત હતું કારણ કે કચ્છથી જો સૌરાષ્ટ્રમાં જવું હોય તો કંડલા તથા તુણા દરિયા દ્વારા બોટમાં જવાતું. કચ્છનાં લોકો ૩૦૦ વર્ષ પૂર્વૈથી પરદેશમાં અને મુંબઈમાં સ્થાયી થયા પરંતુ, કચ્છ સાથેનો જીવંત સંપર્ક જાળવી રહ્યા છે.

 ગાંધીજીની 'યાત્રા' અનેક બાબતો અંગે સ્પર્શી જાય છે. કચ્છમાં તત્કાલીન સમયે ઘણા લોકો રૂઢીચુસ્ત માનસિકતા ધરાવતા હતા. કચ્છનાં વિવિધ વિસ્તારોની મૂલાકાત ગોઠવાઈ હતી. ગાંધીજી ૧૪ દિવસ કચ્છમાં રોકાયા હતા.

 ભુજમાં પ્રથમ જાહેરસભા નાગર જ્ઞાતિની વંડીમાં યોજાઈ હતી અને ગાંધીજી વંડીમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે હરિજનોને અલગ બેસાડવામાં આવ્યા હતા. જે જોઇને ગાંધીજી સ્તબ્ધ થઈ ગયા અને તેમનાથી સહન ન થયું. તેમણે શરૂમાં કહ્યું કે કોઈપણ જ્ઞાતિનાં લોકો વચ્ચે કોઈ દિવાલ ન હોવી જોઈએ. સૌ સાથે બેશો. જો કે, હરિજનો સાથે ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલા ક્રાંતિપ્રસાદ અંતાણી દોલતરામ ધોળકિયા, ગુલાબશંકર ધોળકિયા, પ્રભુલાલ ધોળકિયા હરિજનો સાથે બેઠા હતા અને પરિણામે અઠવાડિયા બાદ તેઓ જ્ઞાતિ બહાર મુકાયા. બીજા જ દિવસે પુનઃ નાગર-વંડીમાં મિટીંગ યોજાઈ, જેમાં હરિજનોને દૂર ન બેસાડાયા.

 ભુજ મોઢવણિક જ્ઞાતિ તરફથી મોઢ વણિકનાં વનીબહેને ગાંધીજીને કુમકુમ તિલક કર્યું હતું. આ સભામાં ગાંધીજીએ. પોતે વિલાયત ગયા, તે પ્રસંગે ભુજની મોઢ વણિક જ્ઞાતિએ તેમને નાતબહાર મૂક્યા ન હતા, તે વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. ભુજની મૂલાકાત બાદ ગાંધીજીએ વિવિધ વિસ્તારોની મુલાકાતો લીધી. માંડવી મધ્યે બ્રહ્મપુરીમાં જાહેરસભા યોજાઈ હતી. હરિજનોએ પ્રવેશ કરતાં સનાતની રૂઢીચુસ્તોએ  ધાંધલ કરી સભામાં ભંગાણ પડ્યું અને બ્રહ્મપુરીનાં મહંતે ગાંધીજીનું સન્માન કરવાને બદલે પોતાનાં ચેલાઓને લઈને સભા છોડી ગયા અને સભા બરખાસ્ત થઈ. સાથોસાથ ગાંધીજીએ જાહેરાત કરી કે 'કાલે સવારે ૭ કલાકે માંડવીનાં તળાવનાં નાકા બહાર વડ નીચે મળશું.' સમગ્ર માંડવી શહેરનાં હજારો લોકો સભામાં હાજર રહ્યા. સરદાર પટેલ કચ્છમાં પ્રથમ વખતે બોલ્યા અને ગાંધીજીને સમજી ન શકનાર રૂઢીચુસ્ત લોકોની આકરી ઝાટકણી કાઢી.

 માંડવી બાદ મુંદ્રા પહોંચ્યા પણ જાહેરસભામાં એ જ વ્યવસ્થા જોતાં ગાંધીજી ખૂબ જ ખિન્ન થયા મંુદ્રાથી અંજાર પહોંચ્યા અને જાહેર સભામાં અંજારનાં અગ્રણી ગૃહસ્થે ગાંધીજીને સન્માનપત્ર આપ્યું ત્યારે ગાંધીજીનો સ્પર્શ ન થાય તેની કાળજી રાખી માનપત્ર ગાંધીજીનાં હાથમાં ફેંક્યું. ગાંધીજી તો કરૂણામૂર્તિ હતા અને એક શબ્દ ન બોલ્યા. એટલું જ કહ્યું કે મહાદેવ... ધૂન... અને મહાદેવભાઈએ રામધૂન બોલાવી. ૧૦ મિનિટ એક ધ્યાન થઈ 'રામનામ'નું સ્મરણ ગાંધીજીએ કર્યું અને સભા બરખાસ્ત કરી.

 ગાંધીજીએ સમગ્ર કચ્છનાં મુખ્ય શહેરો તથા ગ્રામ્ય વિસ્તારની મૂલાકાત લીધી. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનાં લોકોએ ખૂબ જ લાગણી વ્યકત કરી. રસ્તાઓમાં ગાંધીજી પસાર થવાના છે તેવું જાણ સૌન થઈ હતી એટલે ઠેરઠેર તેમનું ભવ્ય સન્માન થયું.

  ગાંધીજીએ તા. ૧૧/૦૪/૧૯૨૬ નાં રોજ 'નવજીવન' માં લખ્યું કે 'મારી કચ્છની મુસાફરી બાબત ગેરસમજ ફેલાઈ છે. ફરી જણાવવા ઇચ્છું છું કે કચ્છની મુસાફરીથી મને પશ્ચાતાપ નથી થતો. પરંતુ, હું મારી જિંદગીનો એક કિંમતી અનુભવ ગણું છું. ત્યાં પ્રેમનો અનુભવ મને બીજે જેવો જ થયો. સગવડો બીજે મળે છે તેવી જ મળી. તે બધું કચ્છમાં અનુભવ્યું છે અને ભોગવ્યું છે. હું કચ્છ ગયો તો મારા સ્વભાવ અનુસરીને કચ્છનાં મારા પ્રવાસને સારૂ અને મને આજે ખુશાલી સિવાય બીજી લાગણી નથી. એટલું જ નહિ પરંતુ કચ્છ છોડતી વેળાએ વચન આપ્યું છે તે પ્રમાણે જો કચ્છનાં સ્વયંસેવકો પોતાનું કાર્ય કર્યે જશે અને મારી હાજરી ઈચ્છશે તો હું અવશ્ય ત્યાં ફરી જઈશ અને જે કઠીન ભાગો રહી ગયા છે ત્યાં પહોંચીશ અને જ્યાં જઈ આવ્યો છું ત્યાંનાં ભાઈઓ અને બહેનો પાસેથી હિસાબ માંગીશ.

 કચ્છની પ્રજાજોગ શીખ આપી... એ બધા દુઃખો સાચાં હોય તો હું તમને કહું છું કે તેનો ઈલાજ તમારી પાસે છે અને તે અવિવેક કે અમર્યાદાઓનો નહિ પણ અને મારા ૩૦ વર્ષોનાં જાગૃત અનુભવથી કહું છું કે દ્રઢતા, સત્ય અને વિનયથી જે ફરિયાદો હોય તે એકવાર મહારાવને કહી સંભળાવજો. મેં કહ્યું છે તે હૃદયની અંદર ઉતારજો અને તેનો અમલ કરજો. અને તમે જોશો કે મેં તમને જડીબુટી આપી દીધી છે.' જો કે ગાંધીજી ત્યારબાદ કચ્છ આવી ન શક્યા. ગાંધીજીનાં કચ્છનાં પ્રવાસને કારણે કચ્છનાં પ્રજાજીવનમાં અભૂતપૂર્વ કહેવાય તેવું સંગઠન અને એકતા દેખાયા હતા. 

સંકલન

નવીન ઠકકર

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(10:41 am IST)