Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શાપર-વેરાવળના નિલેશ સોંદરવાની બ્રિજના ડીવાઈડર પાસેથી રહસ્યમય સંજોગોમાં લાશ મળીઃ હત્યાની શંકા

પીઠના ભાગે ઢસડાયો હોય તેવા ઈજાના નિશાન જોવા મળતા બનાવ હત્યાનો છે કે કેમ ? તે જાણવા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાઈઃ મૃતક નિલેશ ભાડેથી રીક્ષા ચલાવતો'તો અને છૂટક મજુરી કામ કરતો'તોઃ પીએમ રીપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે

રાજકોટ, તા. ૨૩ :. શાપર-વેરાવળમાં રહેતા યુવકની અંડરબ્રીજના ડીવાઈડર પાસેથી રહસ્યમય સંજોગોમાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયુ છે ? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે શિતળા માતાના મંદિર પાસેના અંડરબ્રીજના ડીવાઈડર પાસે એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની જાણ શાપર-વેરાવળ પોલીસને થતા પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે લોધીકા હોસ્પીટલમાં ખસેડી હતી. પોલીસ તપાસમાં મૃતક નિલેશ દેવશીભાઈ સોંદરવા (ઉ.વ. ૨૩) રહે. સર્વોદય સોસાયટી વેરાવળ હોવાનું ખુલતા પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતક નિલેશ ભાડેથી રીક્ષા ચલાવતો હતો અને છૂટક મજુરી કામ પણ કરતો હતો. મૃતક નિલેશ અને તેનો ભાઈ તેના માતા-પિતા સાથે ૫ થી ૬ માસ પૂર્વે જ વેરાવળમાં રહેવા આવ્યા હતા.

મૃતક નિલેશના પીઠના ભાગે તથા શરીરના અન્ય ભાગે ઈજાના નિશાન હોય તેની હત્યા થયાની શંકાએ પોેલીસે મોતનું સાચુ કારણ જાણવા માટે લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડેલ છે. ફોરેન્સીક પીએમ રીપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

(3:28 pm IST)