Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મકાન ખરીદીના વિવાદ સંદર્ભે પરત ફરેલ ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૨૩: રાજકોટની અદાલતે રૂપિયા નવ લાખ પાંત્રીસ હજારના ચેક રિટર્ન કેસમાં ભાવીકભાઇ મેઘજીભાઇ ગેડીયાને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રકમનો દંડ ચુકવવા આદેશ કર્યો છે.

આ સમગ્ર કેસની વિગતો જોઇએ તો 'ડિસ્કવરી પાઇપ', પ્લોટ નં. ૮, જય સરદાર ઇન્ડસ્ટ્રીઝ એરિયા, શેરી નં. ૧, કોઠારીયા સોલવન્ટ પાસે, ગોંડલ રોડ, રાજકોટ વાળા ભાવીકભાઇ મેઘજીભાઇ ગેડીયાએ ફરિયાદી પાસેથી મકાન વેચાણ લઇ તે રકમ ચુકવવા તેમની સહીવાળો રૂ. ૯,૩૫,૦૦૦નો ચેક ફરિયાદીને આપેલ હોય અને જે ચેક 'ફંડસ ઇન્સફીસીયન્ટ' ના શેરા સાથે વગર સ્વીકાર્યે પરત ફરેલ હોય જેથી ફરિયાદીએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે આરોપીને મળી હોવા છતા આરોપીએ ચેકની રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કોર્ટમાં હાજર થયા હતા. રેકોર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની દલીલો તેમજ રજુ રાખેલ. વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટ અદાલતના એડી.ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જી.ડી.પડીયાએ આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ની કલમ ૧૩૮ અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ અને કલમ ૩૫૭ (૩) મુજબ એક માસમાં ચેકની રકમ રૂ.૯,૩૫,૦૦૦ વળતર પેટે ચુકવી આપવા અને ચુકવવામાં કસુર થયેથી એક માસની સાદી કેદનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી આશિક એ.ત્રિવેદી, માહિર ડી.પીપળવા, વિદિતા ડી.શાહ, કૌશિક જી.પોપટ, શીતલ એન.ખોખર, આફતાબ એ.ત્રિવેદી વકીલ તરીકે તથા રવિ એન. જોષી રજી.કલાર્ક તરીકે રોકાયેલ હતા.

(2:38 pm IST)