Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માર્કેટયાર્ડના સુકાનીઓ નક્કી કરવા પાર્ટીની નિર્ણાયક ભૂમિકાઃ શનિવારે સેન્સ લેવાશે

કોણ કોને ઈચ્છે છે ? તે જાણીને પ્રદેશ ભાજપમાં મોકલાશેઃ માથા ભેગા કરવા દાવેદારોની મથામણ

રાજકોટ, તા. ૨૩ :. માર્કેટયાર્ડ (બેડી)ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને તોતીંગ બહુમતી મળતા હવે તા. ૨ ડીસેમ્બરે યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી છે. તેની પસંદગીમાં જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની ભૂમિકા મહત્વની રહેશે. યાર્ડના ચૂંટાયેલા સભ્યો અને અન્ય અપેક્ષિત આગેવાનોની તા. ૨૭મીએ સેન્સ દરમિયાન જિલ્લા ભાજપા પ્રેસ-મીડિયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ જણાવે છે કે, તાજેતરમાં યોજાયેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જ્વલંત વિજય થયો છે. તે અનુસંધાને રાજકોટ જીલ્લાના માર્કેટિંગ યાર્ડોના વિજેતા ઉમેદવારોમાંથી ચેરમેન, વા. ચેરમેનની પસંદગી માટે તા. ૨૭મીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સેન્સ પ્રક્રિયા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા શ્રીમતી રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા ભાજપા મહામંત્રીઓ નાગદાન ચાવડા, મનસુખ રામાણી, મનીષ ચાંગેલા તેમજ ધારાસભ્યો, સાંસદ સભ્યો ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપાના મોવડી મંડળની સુચના મુજબ નિરીક્ષકો વિજેતા સભ્યોની સેન્સ લેશે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે જેતપુર માર્કેટીંગ યાર્ડની સવારે ૧૦ કલાકે, ઉપલેટા માર્કેટીંગ યાર્ડની સવારે ૧૦.૩૦ કલાકે, ધોરાજી માર્કેટીંગ યાર્ડની સવારે ૧૧ કલાકે અને રાજકોટ માર્કેટીંગ યાર્ડની બપોરે ૧૧.૩૦ કલાકે સેન્સ લેવામાં આવશે.

રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા બાદ ચેરમેન - વા. ચેરમેનના નામોની ગુજરાત પ્રદેશ ભાજપા નામાવલી મોકલવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પસંદગી કરવામાં આવશે. તમામ ચૂંટાયેલા સભ્યોને પ્રદેશ ભાજપા દ્વારા લેખિતમાં વ્હીપ આપવામાં આવશે.

(3:27 pm IST)