Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પોલીસ દ્વારા બે ઘટનાઓમાં અલગ-અલગ માપદંડ આશ્ચર્યજનકઃ ગાયત્રીબા વાઘેલા

ટ્રાફીક દંડ વિષે મહિલા કોન્સ્ટેબલ સામે દલીલ કરનાર આર્મીમેન સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો ને ભદ્ર સમાજની મહિલાઓએ : ઓળખકાર્ડ માંગ્યું તો ચોંધાર આંસુડે રોવડાવનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કોઇ પગલા નહિ? પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો વેધક સવાલ

રાજકોટ, તા., ૨૩: રાજકોટ પોલીસ દ્વારા ગણત્રીના કલાકો દરમિયાન બનેલી જુદી-જુદી બે ઘટનાઓમાં અલગ-અલગ કાયદાકીય માપદંડો અપનાવાતા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આશ્ચર્ય દર્શાવી મહિલાઓને સરાજાહેર ચોંધાર આંસુડે રોવડાવનાર પોલીસ કર્મચારી સામે પગલા કેમ નહિ? તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો છે.

એક નિવેદનમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે કે એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત મહિલા પોલીસ દંડના નામે વસુલાત કરી રહયા હતા ત્યારે દલીલો કરનાર આર્મીજવાન સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો હતો. પરંતુ ગ્રીનલેન્ડ ચોકડી નજીક મહિલાઓની કારને અટકાવી ટોઇંગની  કામગીરી કરી કલાકો સુધી અભદ્ર વ્યવહાર કરનાર પોલીસમેન સામે કોઇ પગલા ન લેવાઇ તે કયાંનો ન્યાય છે?

રાજયની ભાજપ સરકાર દ્વારા સ્ત્રી સશકિતકરણની મોટી મોટી વાતો વચ્ચે કયાંકને કયાંક મહિલાઓ ઉપર અત્યાચાર, બળાત્કાર, લુંટ, ચીલઝડપ, ઘરેલુ હિંસા કે પછી ભાજપના આગેવાનો દ્વારા લાત મારવાની ઘટનાઓ બને ત્યારે મહિલાઓના માન-સન્માનને ઠેસ પહોંચે છે અને સરકારના મંત્રીથી લઇ અધિકારીઓની સુફીયાણી વાતો બેધારી સાબીત થયા વગર રહેતી નથી.

રાજકોટ પોલીસ દ્વારા અનેક વખત મહિલાઓનું અપમાન કરતી ઘટનાઓ બની છે. થોડા મહિનાઓ પહેલા સોની બજારમાં ભદ્ર સમાજની મહિલાઓના ઘેર મહિલા કોન્સ્ટેબલ વગર પહોંચી તપાસના નામે ઘરમાં ઘુસી ઢસળી માર મારવાની ઘટનાના વિડીયો સામે આવ્યા હતા. આ ઘટનામાં પણ ભાજપ સરકારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર દબાણ લાવી ફીંડલુવાળી દીધાનું સમજાય છે. આ વચ્ચે ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડી નજીક મહિલાઓની કારને પોલીસમેન અટકાવી ત્યારે નાગરીક અધિકાર મુજબ ઓળખકાર્ડ માંગ્યું પછી તેમની સાથે લાંબો સમય સુધી અભદ્ર વર્તન કરી ચોંધાર આંસુડે રોવડાવી કાર ડીટેઇન કરવાની ઘટના બની આ ઘટનામાં ખુદ પોલીસમેનના ટુ વ્હીલર પાછળ રજીસ્ટ્રેશન થયેલી નંબર પ્લેટ જોવા નહિ મળ્યાના મીડીયા અહેવાલો સામે આવ્યા છે ત્યારે આર્મીમેન સામે તાત્કાલીક ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધવો અને મહિલાઓ સાથે અનુચીત વર્તન કરનાર પોલીસમેન સામે કોઇ પગલા નહિ લેવાના રાજકોટ પોલીસના અલગ-અલગ માપદંડો ઉડીને આંખે વળગ્યા વગર રહેતા નથી. પોલીસે હંમેશા મહિલાઓનું માન-સન્માન જળવાઇ તે રીતે ન્યાયીક ઢબે કાર્યવાહી કરવી જોઇએ તેમ પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

(3:34 pm IST)