Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

૧૭ અને ૧૬ વર્ષની પાક્કી બહેનપણીઓ ચોટીલા ફરવા જતી રહી'તીઃ પરત આવી

બી-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો

રાજકોટ તા. ૨૩: મોરબી રોડ વિસ્તારમાં રહેતાં બે પડોશીઓની ૧૭ અને ૧૬ વર્ષની દિકરીઓ ૨૦મીએ શનિવારે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બંને પાક્કી બહેનપણીને શોધી કાઢવા પરિવારજનો અને પોલીસ દોડધામ કરી રહ્યા હતાં. છેલ્લે આ બંને મોટી ટાંકી ચોકમાં હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું. દરમિયાન આ બંને આજે હેમખેમ પરત આવી ગઇ છે. બંને ચોટીલા ફરવા જતી રહી હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે પોતે ચાંદીકામની મજૂરી કરે છે અને બે સંતાન છે. જેમાં એક દિકરી સતર વર્ષ છ માસની વયની છે. આ દિકરી અને પડોશી પરિવારની ૧૬ વર્ષની દિકરી બંને પાક્કી બહેનપણી છે. આ બંને બહેનપણીઓ શનિવારે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગાયબ થતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી.

પોલીસે સગીરા ગૂમ થઇ હોઇ તત્કાળ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે બંને પરત આવી જતાં પીઆઇ એમ. સી. વાળા અને મહેશભાઇએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. આ બંને સખીઓએ કહ્યું હતું કે કોરોનાને કારણે સતત બે વર્ષથી કયાંય ગઇ ન હોઇ ઘરમાં કંટાળી જતાં જાતે ચોટીલા જતી રહી હતી. ત્યાંથી જાતે પરત આવી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે આ બંનેની સાથે બીજુ કોઇ તો નહોતું ને?

(4:25 pm IST)