Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણી અનુસંધાને શહેર પોલીસની કડક કાર્યવાહીઃ ૩૩ને પાસામાં ધકેલી દેવાયા, ૬૦ને તડીપાર કરાયા

૫૮૮૨ શખ્‍સો વિરૂધ્‍ધ અટકાયતી પગલા લેવાયાઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયાની રાહબરીમાં તમામ પોલીસ મથકો-શાખાઓની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય અને કોઇ અનઇચ્‍છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી જ ગુનાહિત માનસ ધરાવતાં અને અલગ અલગ ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા તેમજ ગુના કરવાની ટેવ ધરાવતાં શખ્‍સો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તે અંતર્ગત કુલ ૩૩ શખ્‍સોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે. જ્‍યારે ૬૦ને તડીપાર કરી દેવામાં આવ્‍યા છે.

મારામારી, લૂંટ, ચોરી, દારૂની હેરાફેરી સહિતના ગુનાઓ કરવાની ટેવ ધરાવનારા શખ્‍સોને શોધી શોધીને પાસા અને તડીપારના પગલા લેવામાં આવ્‍યા છે. તેમજ ૫૮૮૨ શખ્‍સો સામે અટકાયતી પગલા લેવાની કામગીરી કરવામાં આવી છે. તમામ પોલીસ સ્‍ટેશન અને શાખાઓ દ્વારા આ કામગીરી થઇ છે. વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ત્‍યારથી માંડી આજ સુધીના દિવસોમાં આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

(3:12 pm IST)