Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ ભાજપનો ગઢ છે અને રહેશે જ : ભાજપ શાસનમાં લોકોની પાંચેય આંગળી ઘીમાં : રાજુભાઇ ધ્રુવ

ડબલ એન્‍જીન સરકારમાં શહેરનો વિકાસ બમણોઃ ચારેય કમળ ખીલશ : નરેન્‍દ્રભાઇએ આંતરરાષ્‍ટ્રીય સવલતો આપી : ભૂપેન્‍દ્રભાઇએ વિકાસ યાત્રા આગળ ધપાવી

રાજકોટ,તા. ૨૨ : રાજકોટ ગુજરાતનું ખૂબ જ ઝડપે વિકસતો જતું શહેર છે અને શહેરના વિકાસ કેન્‍દ્રની નરેન્‍દ્રભાઈ મોદી અને રાજયની ભૂપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જિન સરકારને આભારી છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, કેન્‍દ્ર અને રાજય સરકારે રાજકોટને અનેક મહત્‍વની સુવિધાઓ આપી છે.

એક અહેવાલને ટાંકીને રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે રાજકોટની વસતી દર વર્ષે ૩ ટકા વધે છે. આખા દેશમાં વસતીની દ્રષ્ટિએ વિકસતા શહેરમાં રાજકોટ ૭માં ક્રમે છે અને વસતીની દ્રષ્ટિએ વિશ્વના વિકસતા શહેરમાં રાજકોટ રરમાં ક્રમે છે. આવું શા માટે? રાજકોટની વસતી વધે છે એનો અર્થ એ નથી કે અહીં જન્‍મદર વધારે છે પરંતુ સૌરાષ્ટ્રથી લઈ આખા રાષ્ટ્રમાંથી અહીં લોકો રોજગારીથી લઈ શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍યની સેવાઓ લેવા માટે આવે છે.

તેમણે કહ્યું છે કે, રંગીલું રાજકોટ સતત વિસ્‍તરતું અને વિકસતું શહેર બની ગયું છે કારણ કે ભાજપના શાસનમાં અહીં આંતરરાષ્ટ્રીય સ્‍તરની સવલતોમાં વધારો થયો છે. આરોગ્‍ય, પરિવહન, બાંધકામ, શિક્ષણ, વ્‍યવસાય, ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રે રાજકોટનો અપૂર્વ-અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે અને રાજકોટના આ સર્વાંગી વિકાસ કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી અને રાજયમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીન સરકારને આભારી છે.

કેન્‍દ્રમાં છેલ્લા આઠ વર્ષ અને રાજયમાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી ભાજપનું સ્‍થિર શાસન છે આ સ્‍થિર શાસનના પરિણામસ્‍વરૂપે રાજકોટ બન્‍યું છે સ્‍માર્ટ સિટી, ગ્રીન સિટી, ક્‍લિન સિટી, મેટ્રો સિટી, મેગા સિટી, વાઈ-ફાઈ સિટી અને હાઈ-ફાઈ સિટી. આજે રાજકોટ એક વાઈબ્રન્‍ટ સિટી તરીકેની ઓળખ પ્રસ્‍થાપિત કરી રહ્યું છે તે પાછળ ભાજપની ડબલ એન્‍જીન સરકાર જવાબદાર છે. ભારત અને ગુજરાતમાં ડબલ એન્‍જીન ભાજપ સરકાર હોવાથી કેન્‍દ્ર અને રાજયની સરકારી યોજનાઓ અને સહાયોનો લાભ સીધો જ રાજકોટને સૌથી પહેલાં, સૌથી વધુ મળી રહ્યો છે. ડબલ એન્‍જીન સરકારના ફાયદા જૂઓ તો રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્‍તરની સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓ પૂરી પાડતીᅠ એઈમ્‍સ મળી, આંતરરાષ્ટ્રીય સ્‍તરનું ગ્રીનફિલ્‍ડ એરપોર્ટ મળ્‍યું, આંતરરાષ્ટ્રીય સ્‍તરના ઘર લાઈટહાઉસ મળ્‍યા અને નર્મદાના નીરવાળી સૌની યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ તો ખરો જ. ભાજપ સરકારના રાજમાં ગણ્‍યા ગણાય નહીં એટલા બધા, અગણિત વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત રાજકોટમાં કરવામાં આવ્‍યા છે, રાજકોટ અને રાજકોટની જનતા માટે થયા છે

રાજુભાઈ ધ્રુવે એમ પણ કહ્યું છે કે, રાજકોટવાસીઓ હકીકતમાં ભાજપવાસીઓ છે, રાજકોટની જનતા કમળપ્રિય છે. રાજકોટની જનતાએ પાલિકાથી લઈ પાર્લામેન્‍ટ સુધી ભાજપના સેવકોને ચૂંટી કાઢ્‍યા હોય બદલામાં ભાજપના શાસનમાં આ શહેરના વિકાસ કામોને ભરપૂર વેગ મળ્‍યો છે. ભાજપમાં સ્‍થાનિકથી લઈ રાષ્ટ્રીય નેતાઓએ રાજકોટની સમસ્‍યા, રાજકોટવાસીઓના પ્રશ્નોમાં અંગત રસ લઈ રાજકોટ ખરા અર્થમાં રંગીલું રહે, મોજીલુ બને તે માટેના પગલાં ભર્યા છે. અહીંની પાલિકામાં કોર્પોરેટર રાજકોટ ભાજપના, રાજયની વિધાનસભામાં ધારાસભ્‍ય રાજકોટ ભાજપના, કેન્‍દ્રની લોકસભા અને રાજયસભામાં સાંસદ ભાજપના, મંત્રીમંડળમાં પણ રાજકોટ ભાજપના જનપ્રતિનિધિઓને સ્‍થાન અરે.. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પણ રાજકોટ સાથે અતૂટ સંબંધ અને અખૂટ પ્રેમ છે એટલે રાજકોટવાસીઓની પાંચેય આંગળીઓ ઘીમાં હોય એવો અહીં ઘાટ છે. ભાજપે રાજકોટને અને રાજકોટે ભાજપને હંમેશા સવાયું આપ્‍યું છે.

કેન્‍દ્ર અને રાજયની ડબલ એન્‍જીનવાળી ભાજપ સરકારે લોકકલ્‍યાણકારી, પ્રજાહિતનાં કાર્યોથી રાજકોટને સતત ધબકતું, વિકસતું, ગતિશીલ, પ્રગતીશીલ બનાવ્‍યું છે એટલે જ આજે દરેક રાજકોટવાસીઓને પોતાના ભરોસો ભાજપ સરકાર પર અકબંધ રાખ્‍યો છે, ભાજપ સરકાર ભરોસાની સરકાર છે. ભાજપ સરકાર પર પોતાનો ભરોસો જાળવી રાખીને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસ ૧ ડિસેમ્‍બરના રોજ રાજકોટવાસીઓ ડબલ એન્‍જીનવાળા ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને કમળના બટન પર પોતાનો મત આપીને ફરી એકવાર વિજયી બનાવવા ઉત્‍સુક છે એવું નિવેદનના અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે.

(1:28 pm IST)