Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સગીરાના અપહરણ-દુષ્‍કર્મના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૨૩ : રાજકોટ શહેરમાં રહેતા આ કેસનાં ફરીયાદીએ પોતાની સગીર દીકરીને લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ હતી. જે કામે આરોપી અનુરાજ સુરેશભાઇ માલકીયા, રહે. રાજકોટ વાળાની બી-ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જે કેસ ચાલી જતા રાજકોટની સ્‍પે.પોકસો કોર્ટ દ્વારા આરોપીને ઉપરોકત ગુન્‍હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી ભોગ બનનારના પિતાએ તેઓ ઘરના સભ્‍યો બપોરના સમયે જમીને સુતા હતા અને ચારેક વાગ્‍યે ઉઠેલા ત્‍યારે તેમની દીકરી ભોગ બનનાર ઘરમાં કયાંય જોવામાં આવેલ નહીં, જેથી આજુબાજુમાં તપાસ કરતા ન મળી આવતા ભોગ બનનારના પિતાએ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં હાલના આરોપી વિરૂધ્‍ધ સગીર દીકરીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી, રાજકોટથી ભગાડી થઇ ભોગ બનનાર સાથે અવારનવાર મરજી વિરૂધ્‍ધ સંબંધે બાંધેલ હોવાની ફરીયાદ નોંધાવેલ હતી.

આ કામે બચાવ પક્ષે આરોપીનાં એડવોકેટ વિવેક સાતા દ્વારા દલીલો કરતા જણાવેલ કે ફરીયાદ પક્ષ કેસને પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ છે. તેમજ ભોગ બનનારની જુબાની પણ ફરીયાદથી વિપરીત હોય આરોપી નિર્દોષ હોય તેને છોડી મુકવા જણાવેલ. વકીલશ્રીની દલીલો ધ્‍યાનમાં રાખી રાજકોટની સ્‍પે. પોકસો કોર્ટે આરોપી વિરૂધ્‍ધ ગુન્‍હો સાબીત થતો ન હોય આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસમાં આરોપી તરફે લીગલ એઇડ એડવોકેટ વિવેક એન.સાતા રોકાયેલા હતા.

 

(11:51 am IST)