Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સોની બજારના બે વપારીને બંગાળી કારીગરનો ૩૩.૫૮ લાખનો ધૂંબો

હાથીખાનામાં સિલ્‍વર માર્કેટમાં બેસતાં બંગાળના એઝાઝુલહક્ક શેખ વિરૂધ્‍ધ ફરિયાદઃ કંદોરા અને દાગીના બનાવવા માટે અપાયેલુ હિતેષ મેંદપરાનું ૧૫.૫૭ લાખનું સોનુ ચાંદી અને અન્‍ય વેપારી પુર્વરાજ નકુમનું ૧૬ લાખનું સોનુ લઇ છનનનઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૩: સોની બજારના વેપારીઓ સાથે બંગાળી કારીગરો ઠગાઇ કરતાં હોવાના કિસ્‍સા અનેક વખત બની ચુક્‍યા છે. વધુ એક કિસ્‍સામાં રામનાથપરામાં રહેતો અને હાથીખાનામાં સિલ્‍વર માર્કેટમાં બેસી દાગીના બનાવવાનું કામ કરતો બંગાળી કારીગર સોના-ચાંદીના બે વેપારી પાસેથી દાગીના બનાવવા માટેનું રૂા. ૩૩.૫૮ લાખનું સોનુ-ચાંદી લઇ ભાગી જતાં એ-ડિવીઝન પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં પોલીસે મોરબી રોડ પર રાજ સ્‍કૂલ પાછળ શિવધારા સોસાયટી-૬માં રહેતાં અને સોની બજારમાં સિલ્‍વર એનેક્‍સી કોમ્‍પલેક્ષમાં દુકાન નંબર-૧૦૨માં આશી ગોલ્‍ડ નામે સોના ચાંદીની જ્‍વેલરીનો વેપાર કરતાં હિતેષભાઇ મનસુખભાઇ મેંદપરા (પટેલ) (ઉ.વ.૨૫)ની ફરિયાદને આધારે  રામનાથપરા-૪માં રહેતાં મુળ પમિ બંગાળના એઝાઝુલહક્ક શેખ નામના બંગાળી કારીગર વિરૂધ્‍ધ હિતેષભાઇ તથા અન્‍ય વેપારી પુર્વરાજભાઇ નકુમનું રૂા. ૩૩,૫૮,૨૧૦નું સોનુ-ચાંદી ચાઉ કરી જઇ છેતરપીંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હિતેષભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે હું સોના ચાંદીના દાગીનાનું વેંચાણ કરુ છું અને દાગીના અલગ અલગ કારીગરો પાસે બનાવડાવુ છું. જે પૈકી એક બંગાળી કારીગર એઝાઝુલહક્ક શેખ હાથીખાના મેઇન રોડ પર સિલ્‍વર માર્કેટમાં બેસી સોનાના દાગીના બનવે છે. તે હાલમાં રામનાથપરા-૪માં રહે છે. તેને હું ત્રણેક વર્ષથી ઓળખુ છું અને તેની પાસે દાગીના બનાવડાવુ છું. તા. ૨૮/૯/૨૨ના રોજ મં તેને કંદોરા બનાવવા માટે ૯.૯૯૨ કીલો ચાંદી રૂા. ૫,૪૫,૭૧૦નુ, એ પછી તા. ૩/૧૦ના રોજ ૯.૧૯૭ કિલો ચાંદી રૂા. ૫,૦૫,૮૩૫, તા. ૬/૧૦ના રોજ ૩.૪૮૬ કિલો રૂા. ૧,૯૧,૪૫૫ તથા ૧૧/૧૦ના રોજ ૨.૮૦૦ કિ.ગ્રા ચચાંદી રૂા. ૧,૫૪,૦૦૦નું મળી કુલ રૂા. ૧૩,૯૭,૦૦૦નું ૨૫.૪૦૫ કિ.ગ્રા. ચાંદી કંદોરા બનાવવા માટે આપ્‍યું હતું.

ત્‍યારબાદ તા. ૨૪/૯/૨૨ના રોજ ૭૦ ગ્રામ ૫૩૦ મીલીગ્રામ સોનુ રૂા. ૩,૬૦,૦૦૦નું આપ્‍યું હતું. આમ કુલ ૧૫,૫૭,૫૦૦નું સોનુ-ચાંદી મેં તેને દાગીના બનાવવા આપ્‍યું હતું. આ ઉપરાંત એનેક્‍સી કોમ્‍પલેક્ષમાં ૨૦૧ નંબરની દૂકાનમાં કુબેર જ્‍વેલર્સ ધરાવતાં પુર્વરાજભાઇ રાજુભાઇ નકુમે પણ આ કારીગરને કટકે કટકે રૂા. ૧૬,૦૦,૭૧૦નું સોનુ સેટ બનાવવા માટે આપ્‍યું હતું. આમ કુલ અમારા બંનેનું રૂા. ૩૩,૫૮,૨૧૦નું સોનુ ચાંદી એઝાઝુલહક્ક શેખને વિશ્વાસે આપ્‍યું હતું.

પરંતુ તેણે નિયત સમયમાં અમને દાગીના બનાવીને પાછા આપવાને બદલે અમારુ સોનુ-ચાંદી લઇ ભાગી ગયો હતો. શોધખોળ કરવા છતાં ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં હેડકોન્‍સ. કે. જે. વિરસોડીયાએ ગુનો દાખલ કરતાં પીએસઆઇ જી. એન. વાઘેલાએ વિશેષ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ રીતે અનેક વેપારીઓ સાથે કેટલાક બંગાળી કારીગરો છેતરપીંડી કરી ભાગી ગયા છે. જેમાં અમુકને પોલીસ પકડી પણ લાવી છે અને અમુકનો વર્ષોથી કોઇ પત્તો નથી. ત્‍યાં વધુ એક બંગાળીએ બે વેપારી સાથે લાખોની ઠગાઇ આચરી હોવાનું સામે આવ્‍યું છે.

(11:28 am IST)