Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું કાલે સ્‍નેહમિલન

વિધાનસભામાં એકેય ટીકીટ નહીં ફાળવાતા ભાજપ સામે અસંતોષઃ કોંગ્રેસ તરફ ઢળવા માટેનો સૂર બૂલંદઃ સમસ્‍ત કડિયા જ્ઞાતિજનોને ઉમટી પડવા આગેવાનોની અપીલ

રાજકોટ,તા.૨૩: વિધાનસભાની ચૂંટણીમાં કડિયા સમાજને એકપણ ટીકીટ નહીં ફાળવવામાં આવતા ભાજપ સામે અસંતોષ ફેલાયો છે. જ્ઞાતિ સમાજ લેવલે મહત્‍વના નિર્ણયો લેવા આવતીકાલે તા.૨૪ના સાંજે ૬:૩૦ વાગ્‍યે નંદાહોલ, ૫૦ ફૂટ રોડ, અર્જન પાર્કના ગેઈટની બાજુમાં બાબરીયા રોડ, સ્‍વામીનારાયણ મંદીરની બાજુમાં રાજકોટ ખાતે સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સ્‍નેહમિલન યોજેલ છે.

ગુર્જર કડિયા સમાજ રાજકોટની આગેવાનોએ  જણાવાયું છે કે ગુજરાતની અંદર છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉત્‍થાન માટે થઈ અને કડિયા સમાજના આગેવાનો કડિયા સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો અને વડીલો દ્વારા કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને શેરીએ શેરી ગલીએ ગલીઓ તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોની અંદર મતો માંગવા માટે નીકળી પડતા હતા. સમગ્ર સમાજના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અનેક  કાર્યક્રમોમાં ખુબ જ મોટ સંખ્‍યામાં સમાજના લોકોને લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉત્‍થાન માટે થઈ સમગ્ર સમાજ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટી સાથે હતો.

આ યાદીમાં જણાવાયું છે કે જયારથી ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી તેમજ હાલના આ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જયારથી દિલ્‍હી ગયા છે. ત્‍યારથી સમગ્ર ગુજરાતની અંદરથી કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનોને રાજકીય રીતે, સામાજીક રીતે, આર્થીક રીતે, વ્‍યવસ્‍થીત રીતે, પોલીટીકલી પાર્ટી દ્વારા પાડી દેવાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કડિયા સમાજના આગેવાનોને રાજકીય અને સામાજીક રીતે સામે સામે મુકી અને કડીયા સમાજના વિભાજનની પ્રવૃતિઓ દરેક જગ્‍યાએ સ્‍થાનીક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા અંદરો અંદર જ્ઞાતિની સામે જ્ઞાતિને મુકી અને સમાજને પાડી દેવા માટેનું વ્‍યવસ્‍થિત ષડયંત ચલાવવામાં આવી રહ્યું હોય તેવું સમગ્ર સમાજની અંદર ચર્ચાઈ રહ્યું છે.

એક વિશ્વલેષણ મુજબ જો રાજકોટ કડિયા સમાજની વાત કરવામાં આવે તે ભુતકાળની અંદર રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ભાઈઓ તેમજ બહેનો બન્‍ને થઈ અને પાંચ- પાંચ ટીકીટો આપવામાં આવતી હતી. તેવી જ રીતે જુનાગઢ શહેર તેમજ જીલ્લાની અંદર આશરે ૭૦,૦૦૦ જેટલા કડીયા સમાજના મતદારો છે છતાં પણ તેના પ્રમાણમાં કયારેય પણ ટીકીટો આપવામાં આવેલ નથી. તેમજ અમદાવાદ, સાવરકુંલા, અમરેલી, મહુવા, ભાવનગર, ધ્રોલ, જોડીયા, જામનગર, સુરત વગેરે અનેક જગ્‍યાએ કડિયા સમાજની નોંધપાત્ર વસ્‍તીઓ આવેલ છે. છતાંપણ કોઈપણ વિસ્‍તારની અંદર કડિયા સમાજના લોકોને યોગ્‍ય પ્રતિનીધીત્‍વ આપવામાં આવેલ નથી. તેવું જણાવાયું છે.

સમાજના અમુક આગેવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ કોઈપણ અગમ્‍ય કારણોસર સમાજહિતને અથવા તો સમાજને ઉપયોગી કોઈપણ વાત ભારતીય જનતા પાર્ટીના લોકોને કરી શકતા નથી. જેથી કરીને અમુક આગેવાનો માટે થઈ અને સમાજને ખુબ જ મોટુ નુકશાન થઈ રહ્યું છે. જયારે સમાજના મધ્‍યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોએ જાગવાની આવશ્‍યકતા છે. આ વખતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં કડીયા સમાજના એકપણ વ્‍યકિતને વિધાનસભાની ટીકીટ આપવામાં આવેલ નથી. આનાથી મોટુ અપમાન સમાજનું બીજુ કયુ હોય શકે ? જેથી સમાજના હીત માટે થઈ અને એક વખત સૌ સાથે મળી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડે અને સમાજના મતની તાકાત બતાવે તેવો સૂર વ્‍યકત થયો હોવાનું  આગેવાનોએ જણાવ્‍યું હતું.

આ કડિયા સમાજના મહાસંમેલનને સફળ બનાવવા માટે દિપકભાઈ ટાંક, રશ્‍મીનભાઈ કાચા, શૈલેન્‍દ્રભાઈ ટાંક, અરવિંદભાઈ ગોહેલ, નરેન્‍દ્રભાઈ રાઠોડ, ટી.જે. ગાંગાણી, હસુભાઈ ચોટલીયા, ડી.પી. રાઠોડ, પલ્‍કીનભાઈ કાચા, રસીકભાઈ કાચા, મયુરભાઈ ચોટલીયા, મનુભાઈ જાદવ, વિશાલભાઈ વરૂ, હસમુખભાઈ ગોહીલ, દિપકભાઈ વેગડ, દિપકભાઈ સાપરીયા, રામજીભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ મનાણી, માવજીઆતા, મયુરભાઈ ચોટલીયા, હીરેનભાઈ ટાંક, રાજેશભાઈ વરૂ, પરેશભાઈ રાઠોડ, જયેશભાઈ ટાંક, નિલેશભાઈ જાવીયા, વિકાસભાઈ રાઠોડ, પ્રકાશભાઈ વરૂ, મયુરભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ પરમાર, સંજયભાઈ ટાંક, હીતેશભાઈ રાઠોડ, મયુરભાઈ ગોહેલ, મનોજભાઈ રાઠોડ વિગેરે દરેક નામી અનામી કાર્યકર્તાઓ દ્વારા આ સંમેલનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કડિયા સમાજના આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:02 pm IST)