Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ધર્મની શોભા સ્‍વધર્મના પાલનથી છેઃ માતા-પિતા જીવતા-જાગતા ભગવાન : પૂ. પદ્મદર્શન વિ.મ.સા.

ગરવા ગિરનારની ૯૯ યાત્રામાં અપૂર્વ માહોલઃ પ્રવચન ધારા

રાજકોટ, તા. ૨૩ : ગરવા ગિરનાર ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસુરિજી મહારાજ અને પૂ. પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ.આદિ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ૯૯ યાત્રાનો અપૂર્વ માહોલ જામ્‍યો છે. ભકિતની ભાગીરથીમાં સુંદર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.પૂજયશ્રીની પ્રવચનધારામાં યુવાધન ઓળઘોળ બન્‍યુ છે.

આ પાવન પ્રસંગે પ્રવચનપ્રસાદી પાઠવતાં પૂ. પંન્‍યાસપ્રવર પદ્મદર્શન વિજયજીએ કહ્યુ હતું કે, ધર્મ કરતા પણ અપેક્ષાએ સ્‍વધર્મ મહાન છે એમ ગીતાજીમાં સ્‍પષ્‍ટપણે જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્‍ણ યુધ્‍ધના મોરચે જ્‍યારે અર્જૂન યુદ્ધ લડવાની ના પાડે છે. અને શષા સંન્‍યાસની વાત કરે  છે. ત્‍યારે શ્રીકૃષ્‍ણ અર્જૂન ને સ્‍વધર્મ શીખવે  છે. અત્‍યારના યુગમાં ધર્મ વધવા લાગ્‍યો છે પણ સ્‍વધર્મ ઘટવા લાગ્‍યો છે. ધર્મની શોભા સ્‍વધર્મના પાલનથી છે.

માતા-પિતાએ આપણા માટે જીવતા જાગતા ભગવાન છે. મંદિરના ભગવાનની સેવા-પૂજા પછી કરજો પહેલા આપણા ઘરમાં રહેલ ભગવાન અને ભગવતી તુલ્‍ય મા-બાપની  સેવા કરી એમની આંતરડી ઠારવાનું કામ કરો. જેણે મા-બાપની આંતરડી કકળાવી છે તે કોઇ પણ ક્ષેત્રે સફળ નહી થાય.

મા-બાપ જેટલા મહાન છે તેટલો સમાજ પણ મહાન  છે. સમાજના કેટલાક બંધારણોના કારણે આપણે મર્યાદામાં રહી શકયા છીએ.જેમ પોતાની અને પરિવારની જીંદગી છે તેમ સામાજીક જીંદગી છે. સામાજિક જીંદગીને પણ ન્‍યાય આપવો જોઇએ. સમાજ તેને કહેવાય કે જેમાં સમ્‍યક્‍ સમજ હોય. આજે ઘણી બધી ગેર સમજોને કારણે  સમાજ તૂટી રહ્યા છે. સમાજનું ગઠબંધન થવુ જોઇએ. સમાજ પણ એક પ્રકારની વિશિષ્‍ટ શકિત છે.

(3:29 pm IST)