Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઘંટેશ્વરની સર્વે નં. ૧૫૦ની જમીન અંગે નિવેડો નહી આવે તો કલેકટર કચેરીમાં પશુઓ છોડી મૂકીશુ

ઘંટેશ્વરની સર્વે નં. ૧પ૦ ની જમીન બાબતે વૃધ્‍ધ મહિલા-પુરૂષ તથા અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી ધરણા શરૂ કરતા દેકારો મચી ગયો છે.

રાજકોટ, તા. ર૩ :  ઘંટેશ્વર રહેતા અમરીબેન બાટી અને દેસુરભાઇ બાટી તથા અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી મુખ્‍યમંત્રી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલ નિર્ણયનો અમલ કરવા માંગણી કરતી હતી.

આવેદનમાં જણાવેલ કે તા. ર૩-૦૬-ર૦૧૬ ના રોજ કલેકટરશ્રી રાજકોટની અધ્‍યક્ષતામાં લેવાયેલ નિર્ણયનો અનેક રજુઆત બાદ અમલ ના થતા આપની કચેરી બહાર અમો બુઝર્ગ બેવ્‍યકિત ધરણા પ્રદર્શન કરીએ છીએ.

ઘંટેશ્વર સર્વે નં. ૧પ૦ માં અમોએ ચાલીસ વરસથી સખત મહેનત કરી અમારી જીંદગી ખર્ચી નાખી છે. અમોએ રાત-દિવસ એક કરી પસીનો વહાવી જમીન વાવવા લાયક બનાવી ખેતી કરી પરિવાર અને રાષ્‍ટ્રમાતા ગાયોનું ભરણપોષણ કરી એ છીએ. હવે આ જમીન તંત્રને કિંમતી લાગી?

ઘંટેશ્વર ગામે રોડની આજુબાજુ કેટલી જમીન વાડા રેગ્‍યુલાઇઝ કરી આપ્‍યા છે તેની તપાસ કરો. અમો દલિત અભણ અજ્ઞાન હોય અમારી સામે નિયમ કાયદા ચલાવવાના? તેવો પ્રશ્ન ઉઠાવ્‍યો છે.

પાટણ કલેકટર કચેરીમાં ભાનુભાઇ વણકરે આત્‍મવિલોપન કરેલ ત્‍યારબાદ તેને ન્‍યાય મળેલ તો શું રાજકોટ કલેકટરશ્રી અમારો જીવ લીધા પછી ન્‍યાય આપશે ? તેવો સવાલ કરી, અમારે ન્‍યાય જોઇએ છીએ. પૂર્વ કલેકટરશ્રીએ કરેલ નિર્ણયનો અમલ કરો. તેવી માંગણી કરી હતી.

દિવસ આઠમાં અમારા પ્રશ્નનો નિકાલ નહિ આવે તો અમારા બધા જ પશુઓ (રાષ્‍ટ્રમાતા ગાયો) આપની કચેરીમાં છોડી મુકીશુ કારણ કે આવ કારમી મોંઘવારીમાં વેચાતુ લીલુ લઇને અમો નિભાવી શકીશું નહિ. આપ નિર્ણય નહિ કરો તો અમારે મજબુરીમાં આવો નિર્ણય કરવો પડશે. જેની ગંભીર નોંધ લેશો. તેમ આવેદનમાં અંતમાં ઉપરોકત આગેવાનોએ ઉમેર્યુ હતું.

(3:32 pm IST)