Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દૂધ સાગર રોડ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ મમરાના બાચકા નીચે છુપાવેલો ૨.૪૬ લાખનો દારૂ પકડયો

વાહન મુકી ચાલક ભાગી ગયોઃ કુલ ૭.૪૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે : પીઆઇ બી. ટી. ગોહિલ અને ટીમની કામગીરીઃ એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૨૩: ચૂંટણી અંતર્ગત  દારૂની બદ્દી નાબુદ કરવા શહેર પોલીસ સક્રિય બની હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે દૂધ સાગર રોડ પરથી રૂા. ૨,૪૬,૦૦૦નો ૪૯૨ બોટલ દારૂ ભરેલુ વાહન પકડી લીધું છે. જેમાં મમરાના બાચકાની આડમાં દારૂનો જથ્‍થો છુપાવાયો હતો. જો કે વાહનનો ચાલક હાથમાં આવ્‍યો નહોતો.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ અને કોન્‍સ. રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી દૂધ સાગર રોડ પર ફારૂકી મસ્‍જીદ પાસે ટાટા ઇન્‍ટ્રા વાહન નં. જીજે૦૭ટીયુ-૧૨૩૮ પકડી લેવાયું હતું. જેનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઠાઠામાંથી મમરાના બાચકા મળ્‍યા હતાં. તેની નીચે દારૂની પેટીઓ છુપાવી રખાઇ હતી. પોલીસે રૂા. ૨,૪૬,૦૦૦નો મેકડોવેલ્‍સ નંબર વન બ્રાન્‍ડનો ૪૯૨ બોટલ દારૂ, રૂા. પાંચ લાખનું વાહન, મમરાના ૧૦ બાચકા મળી રૂા. ૭,૪૬,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

દારૂ ભરેલુ વાહન મુકી ભાગી ગયેલા ચાલક સામે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી વાહન નંબરને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને સુચના હેઠળ પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(3:33 pm IST)