Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સતત બીજી વખત કોર્પોરેટરમાંથી ધારાસભ્‍ય બનવાની તક

ઇતિહાસનું પુનરાવર્તન ? : અગાઉ સ્‍વ. અરવિંદભાઇ મણીયાર, વજુભાઇ તથા છેલ્લે અરવિંદ રૈયાણીને નગરસેવકમાંથી ધારાસભ્‍યનું પ્રમોશન મળ્‍યું હતું : ડો. દર્શિતાબેન અને ભાનુબેનને નસીબ સાથ આપે તો ઉજળા સંજોગો : ૧૯૮૩, ૨૦૧૭ જેવું ચિત્ર ફરી ૨૦૨૨માં નિર્માણ : હાલ આ ચૂંટણીમાં કોંગ્રેસના બે પૂર્વ તથા ભાજપના વર્તમાન તથા પૂર્વ ૧ કોર્પોરેટરને પ્રમોશનની તક

રાજકોટ તા. ૨૩ : આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્‍યો છે અને આ ચૂંટણીનું કેન્‍દ્રબિંદુ ‘રાજકોટ' છે અને ભાજપે ચાલુ ટર્મના કોર્પોરેટરોને ટીકીટ ફાળવતા રાજકોટ કોર્પોરેશનના ઇતિહાસમાં સતત બીજી વખત એટલે કે પાંચ વર્ષ બાદ ફરીથી કોર્પોરેટરોને ધારાસભ્‍ય બનવાની તક ઉભી થઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત વિગતો મુજબ વર્ષો અગાઉ ૧૯૮૧-૮૩ની વિધાનસભાની ટર્મમાં તત્‍કાલીન મેયર સ્‍વ. અરવિંદભાઇ મણીયાર કોર્પોરેટરમાંથી ધારાસભ્‍ય બન્‍યા હતા. ત્‍યારબાદ ૧૯૮૩-૮૮ના વિધાનસભા ટર્મમાં પણ તત્‍કાલીન મેયર વજુભાઇ વાળાને કોર્પોરેટરમાંથી ધારાસભ્‍યનું પ્રમોશન મળ્‍યું હતું અને ૩૫ વર્ષ બાદ એટલે કે ગત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે પણ વોર્ડ નં. ૫ના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતાની જવાબદારી સંભાળતા અરવિંદભાઇ રૈયાણીને વિધાનસભા બેઠક નં. ૬૮ (પૂર્વ)માંથી ધારાસભ્‍યનાં ઉમેદવાર બનાવ્‍યા હતા અને તેઓનો જંગી બહુમતીથી વિજય થતાં કોર્પોરેટરોમાં ધારાસભ્‍ય બનવાની તક મળી હતી અને ભૂપેન્‍દ્રભાઇની સરકારમાં મંત્રી રહ્યા છે.

સતત બીજી વખત એટલે ૨૦૧૭ બાદ ૨૦૨૨માં ઇતિહાસનું પુનરાવર્તન થવાના સંજોગો ઉજળા થયા છે. કેમકે ભાજપમાં વોર્ડ નં. ૨ના કોર્પોરેટર અને ડે.મેયરની જવાબદારી સંભાળતા ડો. દર્શિતાબેન શાહને રાજકોટ-૬૯ (પヘમિ) તથા ગ્રામ્‍યમાંથી વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ધારાસભાના ઉમેદવાર બનાવાયા છે. આમ ૫ વર્ષ બાદ ફરી વધુ એક વખત કોર્પોરેટરને ધારાસભ્‍ય બનાવવાની તક મળી છે.

નોંધનીય છે કે, અત્‍યાર સુધીમાં કુલ ૯ કોર્પોરેટરો ધારાસભ્‍ય બન્‍યા છે. જેમાં (૧) સ્‍વ. અરવિંદભાઇ મણીયાર (ર) ગોવિંદભાઇ પટેલ (૩) વજુભાઇ વાળા (૪) સિધ્‍ધાર્થ પરમાર (૫) વિજયભાઇ રૂપાણી (૬) ઉમેશ રાજયગુરૂ (૭) મનસુખભાઇ જોશી (૮) ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ (૯) અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. જ્‍યારે કોર્પોરેટરમાંથી સીધુ સાંસદનું પ્રમોશન મેળવનાર એક માત્ર હરીભાઇ પટેલ હતા.

અત્રે નોંધનીય છે કે ભાજપના એક કોંગ્રેસના બે તથા આપમાંથી લડી રહેલ ૧ પૂર્વ કોર્પોરેટરો વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ઉદય કાનગડને ભાજપે રાજકોટ-૬૮માંથી, કોંગ્રેસે રાજકોટ-૬૮માંથી ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ તથા રાજકોટ -૬૯માંથી મનસુખભાઇ કાલરીયા કોંગ્રેસમાંથી તથા આપમાંથી રાજકોટ ગ્રામ્‍યના ઉમેદવાર વશરામ સાગઠીયાનો સમાવેશ થાય છે. આ તમામ પૂર્વ નગરસેવકોને ધારાસભ્‍ય બનવાની તક છે.

(3:50 pm IST)