Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

૬૯-રાજકોટમાં સવારથી પોસ્‍ટલ બેલેટ મતદાન અંગે ઝુંબેશ : વરિષ્‍ઠ નાગરીકો દ્વારા બહોળો પ્રતિસાદ

રાજકોટ તા. ૨૩: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે રાજકોટ શહેરના ૮૦ થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો ઉત્‍સાહ પૂર્વક પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં પોતાનો દ્રઢ વિશ્વાસ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

૬૯ વિધાનસભા બેઠક માટે આજે અમીન માર્ગ પરની અનુપમા સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષના વરિષ્ઠ નાગરિક શ્રી મગનભાઈ ઉમરાણીયાએ પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. આ માટે ઝોનલ ઓફિસર શ્રી કપિલ ગગલાણી,

આસિસ્‍ટન્‍ટ ઝોનલ ઓફિસર શ્રી ભાવિક મેઘાણી, માઈક્રો ઓબ્‍ઝર્વેર શ્રી કૃણાલ મકવાણા તથા વિડીયોગ્રાફર અને લેડી કોન્‍સ્‍ટેબલની ટીમે શ્રી ઉમરાણીયા મતદાન કરી શકે તે માટે સ્‍થળ પર જ મતદાન કુટીરની કામચલાઉ વ્‍યવસ્‍થા ઉભી કરી હતી, જેમાં શ્રી મગનભાઈએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ પોસ્‍ટલ મતદાન કરવા બદલ ઝોનલ ઓફિસર શ્રી કપિલ ગગલાણીએ શ્રી ઉમરાણીયાને પ્રમાણપત્ર પણ આપ્‍યું હતું.

 ઉપરોક્‍ત સભ્‍યોની ટીમ નંબર-૭ દ્વારા આજે ૮૦ વર્ષથી વધુના કુલ ૨૩ મતદારોને ઘરે બેઠા પોસ્‍ટલ બેલેટના માધ્‍યમ દ્વારા મતદાન કરાવાયું હતું.

(4:35 pm IST)