Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

PGVCL દ્વારા પાઠવાતા અધુરા-અપૂર્ણ બિલો અંગે રાજકોટ ચેમ્બર દ્વારા થઇ રજુઆત

રાજકોટ તા. ર૩: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા સપ્લાય કોડ સમિતિએ મંજુર કરેલ અને ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે આપેલ આદેશ મુજબ નિયત ફોર્મમાં વીજ ગ્રાહકને વીજ બીલ પાઠવવામાં આવતા હતા.

છેલ્લા ર થી ૩ માસ દરમ્યાન વિજ નિયંત્રક આયોગના આદેશ ને સદંતર અવગણી મનસ્વી રીતે જુદા જુદા પેટા વિભાગો દ્વારા અધુરા અને અપૂર્ણ વીજ બીલો પાઠવવામાં આવે છે. કોઇ પેટા વિભાગ બીલમાં ફીકસ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ કોસ્ટ, ઇલે. ડયુટી, મીટર ભાડુ અલગ અલગ ન દર્શાવતા ફકત બીલની કુલ રકમનો ટેબ્બોજ લખવામાં આવે છે. તો કોઇ પેટા વિભાગ દ્વારા વીજ નિયંત્રક આયોગે દર્શાવેલ માહિતીવાળુ બીલો ન આપી ફકત મશીન દ્વારા બનાવેલ લાંબી પટ્ટીવાળુ ગણતરી પત્રક જ પાઠવવામાં આવે છે તો કોઇ પેટા વિભાગ દ્વારા મશીન દ્વારા ગણવામાં આવેલ બીલ અધુરી માહિતીવાળા ફોર્મમાં ચીપકાવી પાઠવવામાં આવે છે. જેમાં ટેરીફની માહિતી કે વિવાદ નિવારણ ફોરમની માહિતી પાઠવવામાં આવતી જ નથી. તદ્દઉપરાંત આગલા બીલની ચડત રકમની નોટીશ જ આપવામાં આવતી નથી. દરેક પેટા વિભાગમાં અલગ અલગ રીતે મનસ્વીતાથી બીલ પાઠવવામાં આવે છે. જેથી વીજ ગ્રાહકો અત્યંત મુશ્કેલી અનુભવી રહયા છે. અમો સ્પષ્ટ માનીએ છીએ કે એકાધીકારવાળા વ્યવસાયમાં ગ્રાહક સંતુષ્ટી તંત્રની પ્રાથમિક ફરજ રહેવી જોઇએ. જેથી ગ્રાહક તાનાશાહીનો ભોગ ન બને. અગાઉ પણ શહેરના વીજ બીલમાં અનિયમીતતા બાબતે પેટા વિભાગ, વિભાગ અને કોર્પોરેટ કચેરીને પત્ર પાઠવેલ પરંતુ હજુ સુધી કોઇ નિકારણ આવેલ નથી.

ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટરશ્રી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ વડોદરાના મેનેજીંગ ડિરેકટરશ્રી તથા ગુજરાત વીજ નિયંત્રક આયોગ ગાંધીનગરના ચેરમેનશ્રીને પેટા વિભાગો દ્વારા પાઠવવામાં આવતા અધુરા અને અપુર્ણ વીજ બીલો તથા ગુજરાત વીજ નિયંત્રકે આપેલ આદેશનો સરેઆમ ભંગ બાબત રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:01 pm IST)