Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વિકૃત ઢગાએ યોગા ટીચર સામે પેન્‍ટ ખોલી ચાળા કર્યાઃ માથે જતાં મારકુટ કરી ધક્કો દઇ ભાગી ગયો

અક્ષર માર્ગ પર બનાવઃ યોગા ટીચર લિફટમાં બેસવા ગયા ત્‍યારે અગાઉથી જ દરવાજો ખોલીને ઉભેલા માસ્‍ક પહેરીને આવેલા શખ્‍સે બિભત્‍સ હરકતો ચાલુ કરીઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

રાજકોટ તા. ૨૩: શહેરના અક્ષર માર્ગ પર એક યોગા ટીચર લિફટમાં બેસવા ગયા ત્‍યારે અજાણ્‍યા માસ્‍ક પહેરેલા શખ્‍સે લિફટનો દરવાજો બંધ થતો અટકાવી યોગા ટીચર સામે પેન્‍ટ ખોલી અત્‍યંત બિભત્‍સ હરકતો કરી તેમજ તેણીએ તેને બહાર ભાગી જવા કહેતાં તેને મારકુટ કરી ગળુ પકડી ધક્કો મારી ભાગી જતાં યોગા ટીચર હેબતાઇ ગયા હતાં. ચોંકાવનારી આ ઘટનામાં વિકૃત શખ્‍સને શોધી કાઢવા માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ બનાવમાં યોગા ટીચર તરીકે નોકરી કરતાં ચોત્રીસ વર્ષિય મહિલાની  ફરિયાદ પરથી અજાણ્‍યા વિકૃત ઢગા વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪-એ, ૩૨૩ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. યોગા ટીચરે પોલીસ સમક્ષ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને અક્ષર માર્ગ પરના ક્‍લાસીસમાં યોગા ટીચર તરીકે નોકરી કરુ છું. મંગળવારે સવારે હું ટુવ્‍હીલર પર ક્‍લાસીસ ખાતે પહોંચી હતી. ત્‍યારે નજીકમાં જ એક અજાણ્‍યો શખ્‍સ માસ્‍ક પહેરીને પોતાના ટુવ્‍હીલર પર બેઠેલો જોવા મળ્‍યો હતો. હું મારું વાહન પાર્ક કરી અંદર ગઇ એ પહેલા જ અજાણ્‍યો શખ્‍સ મારી પહેલા પહોંચી ગયો હતો અને લિફટનો દરવાજો ખુલ્લો રાખીને ઉભો હતો.

હું અંદર જઇ લિફટનો દરવાજો બંધ કરી રહી હતી ત્‍યારે એ અજાણ્‍યા શખ્‍સે હાથ નાખી લિફટનો દરવાજો બંધ થતો અટકાવી દીધો હતો અને હું કંઇ સમજુ એ પહેલા તેણે પેન્‍ટ ખોલી અત્‍યંત બિભત્‍સ હરકત કરતાં મેં મારા હાથમાં રહેલી યોગા માટેની મેટ આડી રાખી દીધી હતી અને હું  લિફટમાંથી બહાર નીકળી ગઇ હતી. તેમજ આ શખ્‍સને ત્‍યાંથી નીકળી જવા કહેતાં તેણે સીડીએથી જતાં રહેવાનું કહેતાં મેં તેને ફરીથી ત્‍યાંથી જતાં રહેવાનું અન્‍યથા પોતે બૂમો પાડશે તેમ કહેતાં તેણે મને માથાના ભાગે અને ગાલ પર માર મારવાનું ચાલુ કર્યુ હતું અને મારુ ગળુ પકડી મને ધક્કો માર્યો હતો અને નાશી ગયો હતો.

મેં બૂમાબૂમ કરતાં ચોકીદાર સાગરભાઇ આવ્‍યા હતાં. મેં તેને જાણ કરતાં તેણે તપાસ કરી હતી પણ અજાણ્‍યો શખ્‍સ ભાગી ગયો હતો. તેણે મરૂન રંગનુ ટી-શર્ટ અને કાળા કલરનું ટ્રેક પેન્‍ટ પહેરેલા હતાં. ચહેરાનો ભાગ માસ્‍કથી ઢાંકેલો હતો. મને તેનું ગુપ્‍તાંગ બતાવી મારકુટ કરી ગળુ પકડી ધક્કો દઇ ભાગી ગયો હતો. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ આઇ. અને. સાવલીયાની રાહબરીમાં એએસઆઇ ગીતાબેન વાય. પંડયાએ ગુનો નોંધી વિકૃત ઢગાને પકડી લેવા તપાસ આદરી છે. આ ઢગાના સીસીટીવી ફૂટેજ મેળવવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે. યોગા ટીચર પોતાની સાથે બનેલી આવી અત્‍યંત ગંભીર ઘટનાથી હતપ્રભ થઇ ગયા હતાં.

(4:10 pm IST)