Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

છેલ્લા ૮ મહિનામાં જાહેરમાં પાનની પિચકારી-ગંદકી કરનાર ૫૭૭ લોકો સીસીટીવીમાં કેદ

મનપા તંત્ર દ્વારા કુલ પ૭૭ વ્‍યકિતને ૧.૧૭ લાખનો ઇ-મેમો ફટકારાયોઃ માત્ર પ૪ લોકોએ જ ૧૧૦૦૦નો દંડ ભર્યો

રાજકોટ, તા., ૨૩: શહેરના વિવિધ વિસ્‍તારોમાં પાનની પિચકારી તથા જાહેરમાં ગંદકી કરનાર ૫૭૭ લોકો મનપાના સીસીટીવી કેમેરામાં કેદ થતા ઇ-મેમો ફટકારવામાં આવ્‍યો છે. જે પૈકી આજ દિન સુધીમાં પ૪ લોકોએ ૧૧૩૦૦નો દંડ મનપા તંત્રમાં ભર્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી તથા પાનની પિચકારી કરનારને પ્રથમ રૂા. રપ૦, બીજી વખત પ૦૦, તથા ત્રીજી વખત રૂા. ૭પ૦ દંડ  જાહેર કરવામાં આવ્‍યો છે. ત્‍યાર બાદ જો આ નિયમનો ભંગ કરનારને મનપાના અધિકારીઓ ઘરે જઇ ૧૦૦૦નો દંડ વસુલ કરે છે અને વાહન પણ ડીટેઇન કરવામાં આવે છે. ત્‍યારે ૧ એપ્રિલ -ર૦રર થી ર૩ નવેમ્‍બર-ર૦રર સુધીમાં શહેરના મવડી, મોરબી રોડ, નાગરીકે બેંક ચોક, પેડક રોડ, ઉમીયા ચોક, રૈયા ચોકડી, શ્રોફ રોડ, ગોવિંદ બાગ, આનંદ બંગલા ચોક, બેડી ચોકડી, ભગવતીપરા સહીતના વિસ્‍તારોમાં આવેલ સીસીટીવી કેમેરામાં પ૭૭ લોકો ઝડપાયા હતા. આ તમામને ૧.૧૭ લાખનો દંડ  ફટકારવામાં આવ્‍યો હતો.  જે પૈકી આજ દિન સુધીમાં માત્ર પ૪ વ્‍યકિતઓએ  રૂા.૧૧,૩૦૦ નો દંડ ભર્યો છે.

(4:43 pm IST)