Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ ભાજપમાં હજુય લબકારા મારી રહ્યો છે જુથવાદનો જ્‍વાળામુખીઃ ફરી વિજય રૂપાણી-ભારદ્વાજની થઈ બાદબાકી

લક્ષ્મીનગર અન્‍ડરબ્રીજની આમંત્રણ પત્રિકાએ ફરી વિવાદ ઉભો કર્યોઃ દિગ્‍ગજોના નામ અદ્રશ્‍ય

રાજકોટ, તા. ૨૪ : ગુજરાતમાં સત્તાના સુકાનીઓની થયેલી ફેરબદલ બાદ ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં ઉભો થયેલો જુથવાદનો જ્‍વાળામુખી હજુ પણ લબકારા મારી રહ્યો છે. ભાજપના નેતાઓની અંદર પ્રવર્તતો વિવાદ કેમેય કરીને શાંત થતો જ નથી. અગાઉ અનેક વખત થયા બાદ ફરી લક્ષ્મીનગર અન્‍ડરબ્રીજ લોકાર્પણ સમારોહની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્‍યમંત્રી અને શહેરના ધારાસભ્‍ય વિજયભાઈ રૂપાણી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને દિગ્‍ગજ નેતા નીતિનભાઈ ભારદ્વાજની ફરી એક વખત અવગણના કરવામાં આવી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
અગાઉ સ્‍નેહમિલન પત્રિકાએ વિવાદ જગાવ્‍યો હતો તે પછી પણ અનેક પ્રસંગોએ જુથવાદના વરવા દર્શન કરાવ્‍યા હતા તેનુ ફરી એક વખત પુનરાવર્તન જોવા મળી રહ્યુ છે. શહેર પ્રમુખ મિરાણી ભલે ભાજપમાં જુથવાદ ન હોવાના ઢોલ વગાડી રહ્યા હોય પરંતુ લક્ષ્મીનગર અન્‍ડરબ્રીજ લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાએ ફરી ભાજપમાં જુથવાદ હોવાનું છડેચોક જાહેર કર્યુ છે.
રૂા. ૪૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ અન્‍ડરબ્રીજને આજે મુખ્‍યમંત્રી પટેલના હસ્‍તે ખૂલ્લો મુકવામાં આવ્‍યો હતો. જો કે ઈ-લોકાર્પણ યોજાયુ હતું, પરંતુ આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જ્‍યાં લોકાર્પણ થયુ તે વિસ્‍તારના જ પ્રતિનિધિની અવગણના કરવામાં આવી છે. ઈ-આમંત્રણ પત્રિકામાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તથા ધારાસભ્‍યો ગોવિંદ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદીપ ડવ, ધનસુખ ભંડેરી, બિનાબેન આચાર્ય, રામભમાઇ મોકરીયા, કમલેશભાઇ મીરાણી, ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, જીતુભાઇ કોઠારી, વિનુભાઇ ધવા, સુરેન્‍દ્રસિંહ વાળા, પુષ્‍કર પટેલ, કેતન પટેલ વગેરેના નામનો ઉલ્લેખ હતો પરંતુ રાજકોટ-૨ના ધારાસભ્‍ય અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજનુ નામ તેમા જોવા મળ્‍યુ ન હતું. તેઓનું નામ જાણીજોઈને લખવામા આવ્‍યુ નહોતુ કે પછી શરતચૂકથી રહી ગયુ હતુ તેની કોઈ સ્‍પષ્‍ટતા હજુ સુધી કરવામાં આવી નહોતી. રાજ્‍યકક્ષાના મંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ભાજપના પૂર્વ મેયર સહિત સંગઠનના હોદેદારોના નામ પણ છે પરંતુ બે દિગ્‍ગજ નેતાઓના નામ જોવા નહિ મળતા અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.

 

(10:50 am IST)