Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ...

૧૫ દિવસ બાદ કુલપતિ-કુલનાયકનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે કાયમી રજીસ્ટ્રાર-નિયામક અને પ્રોફેસરની ભરતી માટે કાર્યવાહી

રાજ્યપાલ પાસે પસંદગી સમિતિના સભ્યની માંગ કરીઃ નવા વિવાદથી અનેક તર્કવિતર્ક

રાજકોટ, તા. ૨૨ :. બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ૩ વર્ષથી સતત વિવાદમાં રહી છે ત્યારે આગામી ૬ ફેબ્રુઆરીએ વર્તમાન કુલપતિ નીતિનભાઈ પેથાણી અને કુલનાયક વિજય દેશાણીનો સેવા કાર્યકાળ પૂર્ણ થતો હોય છતા કાયમી નિમણૂંક માટે પ્રક્રિયા હાથ ધરતા ફરી નવો વિવાદ શરૂ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીએ ૩ વર્ષ પહેલા કાર્યભાર સંભાળ્યો ત્યારે રજીસ્ટ્રાર પરીક્ષા નિયામક અને પ્રોફેસરો કાયમી ન હતા. ૩ વર્ષ સુધી આ અંગે અસરકારક કાર્યવાહી ન કરી. ત્યારે હવે સેવાકાળને ૧૫ દિવસ બાકી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને પત્ર લખી પસંદગી સમિતિના સભ્યનું નામ આપવા પત્ર લખ્યો છે.

રહી રહીને કાયમી ભરતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલનાયક દ્વારા કાર્યવાહી થતા અનેકવિધ ચર્ચાઓ યુનિવર્સિટીમાં થઈ રહી છે અને નવો વિવાદ વકરવાની શકયતા પ્રવર્તે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કરાર આધારીત પ્રોફેસરોની ભરતીમાં ભલામણનું પ્રકરણ ચગતા રાજ્ય સરકારે તુરંત યુનિવર્સિટીમાં નવુ કોઈપણ કાર્ય મંજુરી વગર ન કરવા કડક સૂચના આપી અને કરાર આધારીત ભરતી પ્રકરણ રદ્દ કરવામાં આવ્યુ હતું.

(3:46 pm IST)