Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ફરી રાજકોટ થરથર ધ્રુજયુ... ૯.૭ ડીગ્રી

ટાઈઢ... ટાઈઢ... ગુરૂવાર સુધી કડકડતી ઠંડીનો દોર જારી રહેશે

આવતા શુક્રવારે આંશિક ઘટાડો, તા.૨૯ થી ૩૧ (શનિથી સોમ) થશે ક્રમશઃ વધુ ઘટાડોઃ ૩૧મીએ ઝાકળવર્ષા

રાજકોટ,તા.૨૪: વાદળો ગાયબ થઈ ગયા, પવનો ફરી ઉત્તર દિશાના ફૂંકાવા લાગતા રાજયભરમાં ઠંડીએ ફરી અસલ મિજાજ બતાવ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ફરી સિંગલ ડીજીટમાં પહોંચી ગયો છે. ત્યારે વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આવતા ગુરૂવારથી કડકડતી ઠંડીનો દોર જારી રહેશે. શુક્રવારે આંશિક ઘટાડો જોવા મળશે. ૨૯મીથી ક્રમશઃ ઠંડી ઘટશે. તો ૩૧મીએ ઝાકળવર્ષાની શકયતા છે.

તો રાજકોટ શહેરમાં પણ આજે ઠંડીનો પારો ૯.૭ ડીગ્રી નોંધાયો છે. ગત શનિવારે ન્યુનતમ તાપમાન ૨૦ ડીગ્રી નોંધાયેલ જે ગઈકાલે ગગડીને ૧૨.૭ ડીગ્રીએ પહોંચી ગયેલ. આમ બે જ દિવસમાં ૧૦ ડીગ્રીનો ઘટાડો જોવા મળેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં રાહત જોવા મળી હતી. તો ફરીથી જોરદાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજકોટવાસીઓ ફરી ધ્રુજી ઉઠયા છે. ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. ઠંડીથી બચવા લોકો ગરમપીણાને મારો ચલાવી રહયા છે.

દરમિયાન વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આગામી તા.૨૭ સુધી સારી ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. તા.૨૮ના ઠંડીમાં આંશિક ઘટાડો તા.૨૯ થી તા.૩૧ ઠંડી ક્રમશઃ વધુ ઘટાડા તરફ જશે. તા.૨૫ થી તા.૨૬માં ક્રમશઃ બપોરનું ઉચ્ચતમ તાપમાન માઈનોર રીતે વધશે.

તા.૨૭ થી તા.૩૧માં ક્રમશ તાપમાન વધુ વધતુ જશે. જે વધીને ૨૭/૨૯ ડીગ્રી સુધી કે પાર થઈ શકે. તા.૨૯ બપોર સુધી અલગ- અલગ વિસ્તાર મુજબ મુખ્યત્વે પવનો ઉતર- પૂર્વ તરફના રહેશે. બપોર બાદ કે સાંજથી ફરી પવનોની દિશા બદલાશે. પવનો ઉત્તર- પશ્ચિમના થશે. તા.૩૦થી પશ્ચિમ તરફના ઝાકળી પવનો સેટ થશે. સવારનો ભેજ પણ વધવા તરફ રહે. તા.૩૧ના ફરી સૌરાષ્ટ્ર- કચ્છના વધુ વિસ્તારમાં ઝાકળવર્ષાની શકયતા છે. જે નકારી શકાય તેમ નથી.

(12:50 pm IST)