Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

માધાપર ચોકડી પાસે બ્રિજના પિલરનો કોંક્રિટનો ભાગ ધરાશાઇ

બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા રાતોરાત મશીનરીથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇઃ અધિકારીઓ દોડી ગયા

માધાપર ચોકડી પાસે નિમાર્ણ પામી રહેલ ઓવરબ્રિજના ૧૪ નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી પડયો છે. હાલ નબળા ભાગને દૂર કરવા વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૨૪: માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજના ૧૪ નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી પડયો હતો. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં માધાપર ચોકડી પાસે સરકાર દ્વારા નિમાર્ણ પામી રહેલ ઓવરબ્રિજના મેઇન પિલરનો ભાગ ગતરાત્રે નમી પડયો હતો. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

માધાપર ચોકડી પાસે માર્ગ અને મકાન દ્વારા બનાવાઇ રહેલ પુલનું બાંધકામ તૂટી ગયું તે અંગે માર્ગ-મકાન વિભાગના અધિકારી શ્રી ઝાલાએ આજે બપોરે 'અકિલા' ને જણાવેલ કે, પુલ નથી તૂટયો પરંતુ કામકાજ ચાલુ હતું ત્યારે સેન્ટ્રીંગ-મટીરીયલ્સને મીકેનીકલ વાહનોનો ધકકો લાગ્યો અને ટાવરને અસર થતા તેટલો કાચો ભાગ નીચે પડી ગયો છે, આની બાંધકામને કોઇ અસર નથી. સેન્ટ્રીલને ધકકો લાગતા - બનાવાયેલ ટાવરને અસર થતા બાંધકામ થોડૂ સ્લીપ થયું છે, કોઇ જાનહાની પણ થઇ નથી. આ રૂટીન બાબત બની છે, આમાં ઇન્કવાયરીનો પણ કોઇ પ્રશ્ન નથી, હાલ અમારા ડે. ઇજનેર પણ સ્થળ ઉપર છે, અને ખાસ કાર્યવાહી કરી રહ્યા છે.

(3:39 pm IST)