Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલા લખાતું હોય છે પણ

કોના ઈશારે વિજયભાઈનું નામ આમંત્રણ પત્રિકામાં છપાયું નથી?: હેમાંગ વસાવડા

જો કે રૈયાણી કહે છે ભાજપમાં કોઈ જૂથવાદ નથી, પ્રોટોકોલ પ્રમાણે વિજયભાઈનું નામ લખવામાં આવ્‍યુ નથી

રાજકોટ, તા. ૨૪ : લક્ષ્મીનગર અંડરબ્રિજનું મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે લોકાર્પણ કર્યું. આ ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું  નામ ન હોવા મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્‍યા. તો પ્રધાન અરવિંદ રૈયાણીએ સ્‍પષ્ટતા કરી કે વિજય રૂપાણી અમારા હૃદયમાં છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્રના મારા જેવા અનેક કાર્યકરોનું વિજય રૂપાણીએ ઘડતર કર્યું છે. અરવિંદ રૈયાણીએ કહ્યું કે પ્રોટોકોલ પ્રમાણે નામ લખવામાં આવ્‍યું નથી. ભાજપમાં કોઈ જૂથવાદ હોવાની સ્‍પષ્‍ટતા કરેલ.
દરમિયાન કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે આવો કોઈ પ્રોટોકોલ હોતો નથી. વિજય રૂપાણી અને તેમના સમર્થકોનું પોતાના મતવિસ્‍તારમાંથી જ નામ બાકાત રાખવામાં આવી રહ્યું છે. ભાજપની આંતરિક જૂથબંધી હવે ખુલીને સામે આવી રહી છે.
કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલા લખાતું હોય છે. પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌ કોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્‍યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે થયું છે. રાજકોટમાં સરકારી પ્રસંગ છે પણ આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ જ નથી.
શ્રી હેમાંગ વસાવડાએ વધુમાં જણાવેલ કે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે તેનું વર્ચ્‍યુઅલી લોકાર્પણ કર્યું છે. જેના માટે આમંત્રણ પત્રિકાઓ છપાવાઈ હતી. આ આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્‍યોના નામ લખવામાં આવ્‍યા છે. પરંતુ ફક્‍ત વિજય રૂપાણીનું નામ જ નથી છપાયું. ત્‍યારે સવાલ એ થાય કે વિજય રૂપાણીનું નામ આખરે કેમ ગાયબ છે? કોના ઈશારે રૂપાણીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી છપાયું?

 

(3:02 pm IST)