Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં કોરોનાથી ૪ મોતની ચર્ચાઃઆજે ૮૬ દર્દી સારવાર હેઠળઃ બે વેન્ટીલેટર પર

૬૨ દર્દીઓની હાલત એકદમ સામાન્યઃ તબિબી અધિક્ષક પાસે સત્તાવાર આંકડો એક મોતનો

રાજકોટ તા. ૨૪: કોરોનાની પહેલી અને બીજી લહેરની સામે ત્રીજી લહેરમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની નથી તે ખુબ સારી બાબત છે. કોરોનાના દરરોજ નવા કેસ રાજકોટ શહેરમાં અને જીલ્લામાં સામે આવી રહ્યા છે. પરંતુ દર્દીઓની હાલત વધુ ગંભીર બની જતી હોય તેવું નહિવત છે. મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે એ પણ ખુબ સારી બાબત છે. આમ છતાં સિવિલ હોસ્પિટલમં છેલ્લા બે દિવસમાં ચાર દર્દીના મોત થયાની ચર્ચા થઇ રહી છે. જો કે તબિબી અધિક્ષકશ્રી ડો. રાધેશ્યામ ત્રિવેદીએ સત્તાવાર રીતે એક મૃત્યુ હોવાનું જણાવ્યું હતું. જ્યાં સુધી ડેથ કમિટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃત્યુનો સાચો આંકડો જણાવી શકાય નહિ તેમ તેમણે કહ્યું હતુ઼.

સિવિલ હોસ્પિટલમાં પહેલી અને બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સંખ્યા નહિવત જેવી છે. આજના દિવસે ૮૬ દર્દીઓ અહિ સારવાર હેઠ છે, જેમના રિપોર્ટ પોઝિટિવ છે. જો કે તેમાંથી બે દર્દી જ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે ૬૨ દર્દીઓ રૂમ એરમાં છે. એટલે કે આ તમામની તબિયત એકદમ સારી-નોર્મલ છે. છેલ્લા બે દિવસમાં કોવિડ સેન્ટરમાં ચાર જેટલા મૃત્યુ થયાની હોસ્પિટલ વર્તુળોમાં જ ચર્ચા થઇ રહી છે. પરંતુ સત્તાવાર રીતે આ આંકડો જાહેર થયો નથી. હોસ્પિટલ વર્તુળોના કહેવા મુજબ શની રવિની રાતથી સોમવારની રાત સુધીમાં ચાર જેટલા મૃતદેહો અંતિમવિધી માટે લઇ  જવામાં આવ્યા હતાં. જો કે કોવિડ ડેથ કમિટી આંકડો જાહેર કરે પછી જ સત્તાવાર મૃત્યુઆંક જાહેર થઇ શકે તેમ જણાવાયું હતું.

(3:40 pm IST)