Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે લડશેઃ પ્રકાશ મહેતા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી-ભાજપના વરિષ્ઠ નેતા અને ગૌરવવંતા ગુજરાતી 'અકિલા'ની મુલાકાતે :શિવસેના-NCP-કોંગ્રેસ ગઠબંધન મોટો પડકાર, પરંતુ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ભાજપ પડકારો સામે સફળતા મેળવવા સક્ષમ * મોદીજી અને અમિતભાઇના પાવરફુલ નેતૃત્વ પર પક્ષનો અને લોકોનો વિશ્વાસ વધી રહયો છેઃ મહારાષ્ટ્રમાં ૭પ ટકા ગુજરાતીઓ મતદાન કરે છે, જેમાંના ૯૦ ટકા મત ભાજપને મળે છે :મહારાષ્ટ્રમાં બે મહિનામાં ૧૬ મહાનગર પાલીકા અને ર૦ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે, જે સેમીફાઇનલ જેવી હશે : પ્રકાશભાઇએ કાર્યકરથી પ્રદેશ પ્રમુખ સુધીની જવાબદારી સંભાળી હતીઃ છ વખત ધારાસભ્ય બન્યાઃ ગૃહપ્રધાન સુધીની સફર :ઉધ્ધવજીએ મને શિવસેનામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું: પ્રકાશભાઇ

''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશભાઇ મહેતા નજરે પડે છે. સૌરાષ્ટ્રના જાણીતા હોર્સ-રાઇડર, પ્રકૃતિ પ્રેમી અને  પ્રગતિશીલ ખેડૂત શ્રી જનકભાઇ ત્રિવેદી સાથે રહ્યા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.ર૩)

રાજકોટ તા. ર૪ :.. 'મહારાષ્ટ્રમાં ભાજપ એકલાહાથે ચૂંટણી લડશે...' આ શબ્દો પ્રકાશભાઇ મહેતાના છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશભાઇ આજે 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતા અને રાજનૈતિક વાતો કરી હતી.

પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપ સામે મોટો રાજકીય પડકાર છે. શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ત્રણે પક્ષો અલગ-અલગ વિચારધારાના છે અને ત્રણે વચ્ચે ગઠબંધન છે. આ પડકાર સામે ભાજપના વરિષ્ઠ નેતાઓ નરેન્દ્રભાઇ મોદીજી-અમિતભાઇ શાહ અને દેવેન્દ્રજી ફડણવીશે એકલા હાથે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ભાજપ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પડકારો ઝીલીને સફળ થવા સક્ષમ છે.

પ્રકાશભાઇ મહેતા મહારાષ્ટ્રમાં છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતાં. સામાન્ય કાર્યકરથી માંડીને સંગઠનના વિવિધ પદો પર સફળ જવાબદારી નીભાવીને પ્રદેશ પ્રમુખપદ પણ સંભાળ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ગૃહપ્રધાનની જવાબદારી પણ શ્રી મહેતા સંભાળી ચૂકયા છે.

પ્રકાશભાઇ માઇક્રો મેનેજમેન્ટના માહેર છે. તેઓ કહે છે કે, સુષ્મા સ્વરાજજીએ બુથ મેનેજમેન્ટ પ્રણાલી આપી હતી, વન બુથ ટેન યુથના સુત્રથી મહારાષ્ટ્રમાં ખૂબ સફળતા મળી હતી. આ સિસ્ટમમાં અમિતભાઇ શાહે સુધારો કરીને પેઇજ પ્રમુખ પધ્ધતિ અમલમાં મૂકી છે, જે પરફેકટ પરિણામો આપવા સક્ષમ છે.

પ્રકાશભાઇ હાલ મહારાષ્ટ્ર ભાજપના કોર ગ્રુપમાં વિશેષ નિમંત્રિત સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે. તેઓ તટસ્થ સમીક્ષા કરીને પરિણામ મેળવવા આયોજન કરવાવાળા નેતા છે. તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં નગરપંચાયતની ચૂંટણી થઇ તેમાં ભાજપ મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો છે, પરંતુ જો સેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન  જળવાઇ રહે તો ભાજપ સામે ખરાઅર્થમાં મોટો રાજકીય પડકાર બની રહે તેમ છે. આ સ્થિતિમાં ભાજપે એકલા હાથે ચૂંટણી લડવા મન બનાવ્યું છે. ભાજપના નેતાઓ-કાર્યકરો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પડકારને મ્હાત કરવા સક્ષમ છે.

શ્રી મહેતાએ કહયું હતું કે, આગામી બે મહિનામાં મહારાષ્ટ્રમાં ૧૬ મહાનગર પાલિકાઓ અને ૩૦ જિલ્લા-પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, જે સેમી ફાઇનલ જેવી હશે. આ પરિણામો બાદ ભાજપ ધારાસભાની  ચૂંટણીની વ્યૂહ રચના ઘડશે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને દેવેન્દ્રજીના નેતૃત્વમાં ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે સફળ થવા સક્ષમ છે.

શ્રી મહેતાએ ભુતકાળની વાત કરતા કહ્યું હતું કે, મારે શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરે સાથે ખૂબ સારા સંબંધો હતાં. એ સમયે ભાજપે-શિવસેના વચ્ચે મજબૂત ગઠબંધન હતું. બાલા સાહેબ અને પ્રમોદ મહાજનજી વચ્ચે સંકલન હતું. બંને નેતાઓ ૯ નો આંક જાળવીને ગઠબંધન ચલાવતા હતાં. શિવસેના ૧૭૧ બેઠકો પર અને ભાજપ ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડતો હતો. આ બંને આંકનો સરવાળો ૯ થાય છે. ત્રણ દાયકા ગઠબંધન રહયું.  બાદમાં તૂટયું.

શ્રી મહેતા કહે છે કે, મને ઉધ્ધવજીએ આમંત્રણ આપીને શિવસેનાનો ગુજરાતી ચહેરો બનવા ઓફર કરી હતી, પરંતુ મને ભાજપે ખૂબ તક આપી છે. પક્ષ પરિવર્તન મારા સ્વભાવમાં નથી, મેં આ ઓફર સવિનય નકારી હતી.

પ્રકાશભાઇ મહેતા ખૂબ રાજકીય અનુભવ-પ્રભાવ ધરાવે છે. તેમણે કહે છે કે, ઇન્દિરાજીની હત્યા બાદ એ મુદ્ે ખૂબ પ્રભાવિત હતો ત્યારે ભાજપે મને ધારાસભા લડવા અચાનક ટિકીટ આપી હતી. આ ઘટના મારા માટે સરપ્રાઇઝ હતી. ઇન્દિરાજીનો મુદો છવાયેલો હતો એ કારણે ચૂંટણીમાં સફળતા મળી ન હતી. બાદમાં છ ટર્મ સુધી ધારાસભ્યપદે ચૂંટાયા હતો. શ્રી મહેતા અટલજી અડવાણીજી-મોદીજી અને અમિતભાઇ સાથે કામ કરવાનો દીર્ઘ અનુભવ ધરાવે છે. તેઓ કહે છે કે, ગોપીનાથ મુંડા પણ સક્ષમ અને ધુંઆધાર નેતા હતાં. તેઓના કાર્યકાળમાં મુંબઇમાંથી અંડરવર્લ્ડ લગભગ સાફ થઇ ગયું હતું.

શ્રી મહેતાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને કોઇ પક્ષથી ખતરો નથી. શિવસેના ગુજરાતીઓને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરે છે, પરંતુ મરાઠી વોટ ભાજપ તરફ વળી રહ્યા છે. મોદીજી-અમિતભાઇના પ્રભાવથી મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનું મતદાન વધ્યું છે. ૭પ ટકા ગુજરાતીઓ મત આપે છે. આમાંના ૯૦ ટકા મત ભાજપને મળે છે.

શ્રી મહેતા કહે છે કે, મોદીજી-અમિતભાઇ ૧૮ કલાક મહેનત કરે છે અને કરાવે છે. આ જોડીએ રાજનૈતિક ચમત્કારો સજર્યો છે. ગુજરાત ભાજપનું મોડેલ રાજય છે, આગામી ધારાસભાની ચૂંટણીમાં પણ ભાજપ જ જીતશે. (પ-

પ્રતિવર્ષ કાર્યકરોને સોમનાથની સફર

રાજકોટ  તા. ર૪ : મહારાષ્ટ્ર ભાજપના નેતા પ્રકાશભાઇ મહેતા કાર્યકરોમાં લોકપ્રિય છે. ચૂંટણીઓ બાદ અને નિયમિતપણે તેઓ કાર્યકરોને મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્ર-સોમનાથની યાત્રા કરાવેે છે.આ માટે સ્પેશિયલ ટ્રેન ઉપાડે છે જેમાં ૧૦૦૦ કાર્યકરો પરિવાર સાથે યાત્રા કરે છે. યાત્રામાં દરેક બોગીના પ્રમુખ-દાતાની નિમણુંક થાય છે. યાત્રાામાં કેટરર્સ પણ સાથે રહે છે.

યાત્રામાં માથાદીઠ રૂ.પ૦૦૦ નો ખર્ચ થાય છે. પણ માથાદીઠ માત્ર રૂ.પ૦૦ લેવામાં આવે છે. શ્રી મહેતા કહે છે, કાર્યકરો પક્ષની ધડકન હોય છે., તેમના આધારે પક્ષ ધબકતો રહે છે.(૬.૨૩)

કાર્યરોને પરિવાર સાથે સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરાવે છે પ્રકાશભાઇનું મૂળ ઉના

રાજકોટ તા ર૪ : મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશભાઇ મહેતા મૂળ સૌરાષ્ટ્રના ઉનાના ભૂદેવ પરિવારના છે.

પ્રકાશભાઇના દાદા મહાશંકરભાઇ મહેતા ઉનામાં શિક્ષક હતા. પ્રકાશભાઇ કહે છે. કેમામા મોટાબાપુ સૌપ્રથમ મુંબઇ આવ્યા હતા પ્રારંભે નોકરી કરીને ે બાદમાં દુકાન કરી હતી. ચા  ની ભૂકિનો વ્યવસાય કરતા બાદમાં અન્ય સ્વજનોને મુંબઇ બોલાવીને ધીમે-ધીમે ર૦ દુકાનો કરી હતી.

હાલ પણ મહેતા પરિવારની મુંબઇમાં ચા ની ભૂકિની ૧૦-૧ર દુકાનો છે. પ્રકાશભાઇ ચા ના વ્યવસાય સાથેરિયલ એસ્ટેટમાં પણ સંકળાયેલા છે. જો કે ઉના સાથે સંપર્ક જાળવી રાખ્યો છે ત્યાં ખેતીની જમીન છે અને ખેતી પણ કરે છે.(૬.ર૩)

મહારાષ્ટ્રમાં ચાની ભૂકી-રિયલ એસ્ટેટનો વ્યવસાય ગુજરાતમાં ભાજપ જ જીતશે

રાજકોટ તા. ર૪ : મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ ગુજરાતી નેતા પ્રકાશભાઇ મહેતા કહે છે કે, ગુજરાતમાં મોદીજી તથા અમિતભાઇ શાહનો જબ્બર પ્રભાવ છે. ભાજપના વિરોધીઓ પાસા ફેંકે છે પરંતુ ગુજરાતમાં ભાજપનોજ વિજય થનાર છે.

(3:41 pm IST)