Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ટી.પી. ૭૭ (વાજડીગઢ) સરકારમાં મોકલાશે : માત્ર ૧પ૦ દિવસમાં સ્‍કીમ તૈયાર

રીંગ રોડ-ર ના નવા કામ માટે ૧ કરોડ મંજુર : રૂડાની બોર્ડ બેઠક યોજાઇ

રાજકોટ, તા. ર૪ : શહેરી વિકાસ સતામંડળની ૧૬૫ મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન અમિત અરોરાની અધ્‍યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.
આ બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના કુલ રૂ.૧૮૬.૫૭ કરોડની આવક તથા રૂ.૨૭૯.૨૦ કરોડના ખર્ચ ને મંજૂરી આપતા વાર્ષિક હિસાબને બહાલી આપવામાં આવી. તેમજ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ ટી.પી.સ્‍કીમ નં. ૭૭(વાજડી ગઢ)માટે રજુ થયેલ વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવેલ, જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી. પી. સ્‍કીમ સરકારશ્રીમાં સત્‍વરે મોકલવા નક્કી કરાયેલ. આ ઉપરાંત લાપાસરી ગામથી રિંગ રોડ-૨ (ફેઝ-૩) ને જોડતા ૧. ૦૦ કિમી લંબાઈના અંદાજીત રકમ રૂ.૧.૦૪ કરોડના ખર્ચે કરવવાના કામને મંજૂરી આપવામાં આવેલ.
આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરા, રિજિયોનલ કમિશ્નરશ્રી (નગરપાલિકાઓ)ના ધીમંતકુમાર વ્‍યાસ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેનપુષ્‍કરભાઈ પટેલ, રૂડાના સી.ઈ.ઓ. એન. એફ. ચૌધરી, મુખ્‍ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે  જે. પી પટેલ તથા RMCના સીટી એંજીનિયર એચ.યુ. દોઢીયા હાજર રહેલ હતાં. બોર્ડ બેઠકમાં ટી.પી.સ્‍કીમ નં. ૭૭(વાજડી ગઢ)ના વાંધાસુચનોનો નિકાલ
ગુજરાતના શહેરોના ઝડપી અને સુનિયોજિત વિકાસ બાબતની સરકારશ્રીની પ્રાથમિકતાને ધ્‍યાને લઈ, રૂડા દ્વારા ફક્‍ત ત્રણ (૫) મહિનાના વિક્રમજનક સમયમાં ટી.પી.સ્‍કીમ નં. ૭૭(વાજડી ગઢ)નો મુસદ્દો ઘડી, ઓનર્સ મીટિંગ પૂર્ણ કરી તા.૨૪ ની બોર્ડ મીટિંગમાં રજુ થયેલ વાંધા સુચનો ચર્ચા માટે મુકવામાં આવેલ.હવે આ સ્‍કીમ સરકારશ્રીની મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે. આમ, સામાન્‍ય રીતે એક વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્‍કીમ રૂડા દ્વારા માત્ર ૧૫૦ દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારશ્રીમાં મોક્‍લવા આજરોજ બોર્ડની મંજુરી લેવામાં આવેલ હતી.
અધિનિયમની જોગવાઈ અનુસાર ટી.પી.સ્‍કીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્‍તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્‍થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટૂંકા સમયમાં ટી.પી.સ્‍કીમનો મુસદ્દો ઘડી સરકારશ્રીની મંજૂરીએ સાદર કરવાને કારણે આ વિસ્‍તારનો વિકાસ ફક્‍ત ત્રીજા ભાગના સમય માટે જ સ્‍થગિત થશે. વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુનઃ શરૂ થશે.

 

(3:55 pm IST)