Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પંચવટી રોડ અમૃત પાર્કમાંથી ૨૨મીએ ગૂમ થયેલા કારખાનેદારની ન્‍યારી ડેમમાંથી લાશ મળીઃ આપઘાત

૩૦ વર્ષિય જીગર સાકરીયા મવડીમાં કારખાનુ ચલાવતો હતોઃ ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં: એકના એક આધાસ્‍તંભ સમાન પુત્રને ગુમાવતાં સાકરિયા પરિવારમાં કલ્‍પાંતઃ આપઘાતનું કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી

રાજકોટ તા. ૨૪: શહેરના પંચવટી રોડ વિસ્‍તારમાં રહેતાં કારખાનેદાર યુવાન બે દિવસ પહેલા ઘરેથી નીકળ્‍યા બાદ ભેદી રીતે ગૂમ થઇ જતાં પરિવારજનોએ આકુળ વ્‍યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી અને પોલીસને પણ ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન આજે આ યુવાન કારખાનેદારની ન્‍યારી ડેમમાંથી લાશ મળી આવતાં પરિવારજનમાં કલ્‍પાંત સર્જાયો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ પંચવટી મેઇન રોડ પર અમૃત પાર્ક-૨માં રહેતો જીગરભાઇ અરવિંદભાઇ સાકરીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન તા. ૨૨/૩ના બપોરે ઘરેથી એક્‍ટીવા લઇને નીકળ્‍યા બાદ ગૂમ થઇ પરિવાજનોએ શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત સુધી દોડધામ કરવા છતાં પત્તો ન મળતાં ગત મોડી રાતે પિતા અરવિંદભાઇ કરમણભાઇ સાકરીયા (ઉ.વ.૫૭)એ આ અંગે માલવીયાનગર પોલીસ સ્‍ટેશને પહોંચી પોતાનો પુત્ર જીગરભાઇ ગૂમ થઇ ગયાની નોંધ કરાવતાં  હેડકોન્‍સ. આર. કે. નાથાણીએ તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓએ પણ જીગરભાઇને શોધવા મથામણ ચાલુ રાખી હતી. દરમિયાન આજે સવારે ન્‍યારી ડેમ ખાતેથી જીગરભાઇનું એક્‍ટીવા મળતાં જીગરભાઇ પાણીમાં હોવાની શંકા જતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં કાલાવડ રોડ ફાયર બ્રિગેડના જવાનો જયપાલસિંહ ઝાલા, સંજયભાઇ મકવાણા, મુકેશભાઇ ચોૈધરી, મહાવીરસિંહ જાડેજા, ધવલભાઇ સોઢા, હરિヘંદ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ધરજીયા, કિરણભાઇ ડોડીયા અને મનોજભાઇ નિમાવત સહિતના પહોંચ્‍યા હતાં અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. જે જીગરભાઇનો જ હોઇ પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલા સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો.

પંચનામા બાદ પોલીસે પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જીગરભાઇ પરિવારનો એકનો એક પુત્ર હતો. તેણે બીબીએ સુધીનો અભ્‍યાસ કર્યો હતો અને ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન ૫ૂજાબેન નામની યુવતિ સાથે થયા હતાં. હાલમાં તે પિતા સાથે મવડીમાં કારખાનુ સંભાળતો હતો. આપઘાત કયા કારણોસર કર્યો? તે અંગે પરિવારજનોએ પોતે કંઇ જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ પોલીસ સ્‍વજનો, મિત્રોના નિવેદનો નોંધી કારણ શોધવા તપાસ આગળ વધારશે. યુવાન અને આધારસ્‍તંભ તથા એકના એક દિકરાના મૃત્‍યુથી સાકરીયા પરિવાર પર વજ્રઘાત થયો છે.

(3:23 pm IST)