Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કાલાવડ રોડ પર રૂડાની આવાસ યોજનામાંકામગીરી પ્રશ્‍ને અધિકારીનો ઉધડો લેતા પુષ્‍કર પટેલ

મનપાના સીટી ઇજનેર એચ.યુ. ડોઢીયા સહિત ત્રણ સભ્‍યોની કમિટીની રચનાઃ ફલેટમાં તાકિદે રીપેરીંગ કરવા રૂડા બોર્ડના સભ્‍યોની સુચના

રાજકોટ તા. ર૪: રૂડા દ્વારા નિર્મિત આવાસ યોજનાના ફલેટોમાં છ માસમાં જ પાણી ટપકવાની ફરિયાદ લઇને સ્‍થાનીકો ગઇકાલે મનપા કચેરી ખાતે ધસી જઇ યોગ્‍ય કરવા રજુઆત કરી હતી. ગઇકાલે પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇની મુલાકાતે હોવાથી આજે કચેરીમાં આવતાની સાથે જ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલે ઉપરોકત પ્રશ્‍ન હાથમાં લઇ રૂડાની આવાસ કમગીરીનાં રૂડા અધિકારીનો ઉધડો લીધો હતો અને મનપાના સીટી ઇજનેર એચ. યુ. ડોઢીયા સહીત ત્રણ સભ્‍યોની તપાસ કમિટી પણ બનાવી તાકીદે રીપેરીંગ કરવા પણ રૂડાના અધિકારીને સુચના આપી હતી તેમજ ભવિષ્‍યમાં ખાસ કરીને ચોમાસામાં આવી ઘટના ન બને તે જોવા પણ જણાવ્‍યું હતું.

રૂડા દ્વારા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્‍તારમાં સરિતા વિહાર સોસાયટી નજીક બનાવવામાં આવેલા આવાસોમાં બુધવારે પડેલા વરસાદથી પાણી ટપકવા લાગ્‍યા હતા અને શોર્ટસર્કિટના બનાવ પણ બન્‍યા હતા. આથી આ આદર્શ હાઉસીંગ સોસાયટીના ૭રપ ફલેટધારકો વતી સ્‍થાનીકોએ મહાપાલિકામાં રજૂઆત કરી હતી. જો કે આ કામ અને જાળવણી રૂડા હસ્‍તક હોય, રૂડા જ રસ્‍તો કાઢી શકે તેમ છે. રૂા. ૧.૧ર  લાખના ખર્ચે રૂડાએ બનાવેલી આવાસ યોજના સુવિધાના કારણે અરજી માટે આકર્ષણરૂપ પણ બની હતી. તમામના ડ્રો થઇ ચુકયા છે.

પરંતુ હજુ બધા પરિવારો રહેવા આવ્‍યા નથી. તેમાં બુધવારે ઉનાળામાં ખાબકેલા માત્ર સવા ઇંચ વરસાદે બાંધકામ અને ડિઝાઇનની પોલ ખોલી નાખી છે. અનેક ફલેટમાં દિવાલમાં રીતસર પાણી ઉતરે છે અને ભેજ પણ આવી રહ્યો છે. ઇલે. લાઇનમાં જોખમ ભળી ગયું છે. જેનાથી અકસ્‍માતનો પણ ખતરો છે. આથી આ મામલે તાત્‍કાલીક કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત છે. કાલે આ વિસ્‍તારના લોકો મહાપાલિકાએ કમિશ્‍નરને રજુઆત કરવા આવ્‍યા હતા. આ રજુઆતમાં કવાર્ટર ધારકોએ જણાવ્‍યું હતું કે રૂડાએ ૧ર-૧ર લાખમાં ૭રપ જેટલા ફલેટની આદર્શ હાઉસીંગ કો. ઓ. સર્વિસ સોસાયટી થોડા સમય પહેલા જ બનાવીને સોંપી છે. હજુ છ માસ પણ થયા ન હોય, બધા ફલેટમાં લોકો રહેવા આવ્‍યા નથી. છતાં આવાસોમાં મોટા પ્રમાણે ક્ષતિઓ જોવા મળે છે.

અનેક કવાર્ટરમાં નબળા બાંધકામના કારણે તિરાડો પડવા જેવી સ્‍થિતિ સર્જાઇ ગઇ છે. બુધવારે બપોરે કમોસમી વરસાદ પડતા ઘણા ફલેટના રસોડા, હોલ, બાથરૂમ, રૂમ જેવી જગ્‍યામાં પાણી ઉતર્યા હતા. અમુક જગ્‍યાએ દિવાલમાંથી પાણી વરસ્‍યા હતા. આવાસોમાં ભેજ પણ દેખાતો હોય, ઇલે. કલેકશનમાં શોર્ટસર્ક્રિટ જેવી ઘટનાઓ બને છે. ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, લેપટોપ જેવા સાધનોને નુકસાન થાય છે. ઘણી જગ્‍યાએ લીફટમાં પણ પાણી ઘુસ્‍યાની ફરિયાદ આવી છે. ખામીયુકત કે નબળા બાંધકામના કારણે સર્જાયેલી આ સ્‍થિતિ અંગે કમીટીને ફરિયાદ કરવામાં આવતા ગઇકાલે આ રજુઆત કરવામાં આવી હતી.

(4:10 pm IST)